Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે ચેતવણી

એરફોર્સને પણ મદદ માટે તૈયાર રહેવા તાકીદ : વરસાદી કહેરને લઇને સૌરાષ્ટ્રમાં મીટર ગેજ સેક્શનની તમામ ટ્રેનોને રદ કરાઇ : એનડીઆરએફની ટીમો તૈનાત

અમદાવાદ, તા.૧૬ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં અતિ ભારે વરસાદનો દોર હજુ જારી રહી શકે છે. જેથી તંત્ર હાઈએલર્ટ ઉપર છે. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. એકબાજુ  છેલ્લા એક અઠવાડિયાથી રાજયના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસાદી કહેર વરસાવી રહ્યા છે તેવામાં હજુ પણ હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં સ્થાનિક પ્રજાજનો ચિંતામાં મૂકાયા છે ત્યારે બીજીબાજુ, તંત્રને એકદમ હાઇએલર્ટ પર રખાયું છે. હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યમાં આવતા ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકો ઉપરાંત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ, ડાંગ, તાપી, ભરુચ, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી શકયતા છે. રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને હાઇએલર્ટ કરી દેવાયું છે. રાજ્યમાં વધુ વરસાદની શક્યતાને જોતા રાહત અને બચાવ કામગીરી માટે હાલ એનડીઆરએફની પાંચ ટીમ સહિતની રાહત-બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વધુ પાંચ ટીમો પણ ગુજરાતમાં આવી રહી છે. રાજ્ય સરકારે એરફોર્સને પણ મદદ માટે જરુર પડ્યે તૈયાર રહેવા માટે જણાવી દીધું છે. દરેક જિલ્લામાં તેમજ રાજ્યકક્ષાએ ગાંધીનગરમાં પણ ૨૪ કલાક કંટ્રોલ રુમો શરુ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં આજ સવારથી જ ધોધમાર (વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, અને ડેમોમાંથી પાણી છોડાતા કેટલાક વિસ્તારોમાં ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મીટર ગેજ સેક્શનની તમામ ટ્રેનોને પણ ૧૭ જુલાઈથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ રુટની તમામ ટ્રેનો બંધ રહેશે. આ સેક્શનમાં અમરેલી-વેરાવળ-અમરેલી, જુનાગઢ-અમરેલી-જુનાગઢ, દેલવાડા-વેરાવળ-દેલવાડા, દેવલાડા-જૂનાગઢ-દેલવાડા ટ્રેનોનો સમાવેશ થાય છે. જેને લઇને સૌરાષ્ટ્ર તરફના મુસાફરો અને ત્યાંથી અમદાવાદ તરફ આવવા ઇચ્છતા મુસાફરો ભારે હાલાકીમાં મૂકાયા છે.

(8:32 pm IST)