Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ચોઇની બાઈક વેચવા ગયેલ 5 ચોરને રંગે હાથે ઝડપ્યા

વડોદરા: લોકલ ક્રાઈમ બ્રાંચે સાવલી પોઈચા ચોકડી પરથી ચોરીના બે મોટર સાયકલ વેચવા ગયેલ ઠાસરા પંથકના પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ વાહન ચોર ટોળકીએ ખેડા, આણંદ તેમજ પંચમહાલ જિલ્લામાંથી મળી કુલ ૧૧ મોટર સાયકલોની ચોરી કર્યાની કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 
વડોદરા એલસીબી તથા વડોદરા ગ્રામ્ય પોલીસને મળેલ માહિતીના આધારે સાવલી-પોઈચા ચોકડી ઉપર આવેલા વહેરાઈ માતાની ડેરી પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમ્યાન ચોરીની મોટર સાયકલ વેચવા આવેલ ઈસમોને વિશ્વાસમાં લઈ મોટરસાયકલ નં. જીજે ૦૭ ડબલ્યુ ૨૭૬૨ રૂ. ૩૦,૦૦૦ની તથા મોસા. નં. જીજે ૦૩ એ એફ ૪૫૦૦ રૂ. ૧૫૦૦૦ સાથે પાંચે ઈસમોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ઝડપાયેલ રીઢા વાહન ચોરોમાં કલ્પેશભાઈ વિક્રમભાઈ ભોઈ (રે. ગુમડીયા તા. ઠાસરા) નીતિનભાઈ ગોપાલભાઈ ભોઈ (રે. દાંતરડી તા.ગળતેશ્વર) રાજુભાઈ ઉર્ફે ચીકો રામાભાઈ ભોઈ (રે. મરઘાકુઈ, ઠાસરા) તથા ચોરીની બાઈક લેવા આવેલ મજહરઅલી અમીરઅલી કાઝી સૈયદ તથા જાવેદઅલી મજહર અલી કાજી સૈયદ (બંને રે. ઠાસરા, પીપલવાડા)ના હોવાનું જાણાવ્યું હતું. 
આ આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર કલ્પેશભાઈ ભોઈ જે મોટર સાયકલ સાથે ઝડપાયેલ તે મોટર સાયકલ ડાકોર ક્રિષ્ણા હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી તેમજ ડાકોર રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચોરી કર્યાનું જ્યારે અન્ય મોટર સાયકલો રતનપુરા (ઉમરેઠ) કાલોલ સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાંથી, ડાકોર શ્રીરામ શોપીંગ કોમ્પલેક્ષ પાસેથી, લાંછનપુરા મહીસાગર નદીના પટમાંથી, ઠાસરા સોની ફળિયામાંથી તેમજ આશાપુરા મંદિર પાસેથી, સેવાલિયા ટોકિઝના પાર્કિંગમાંથી, નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ આગળથી, સેવાલિયા પોલીસ સ્ટેશન નજીકથી એમ મળીને કુલ ૧૧ સ્થળેથી મોટર સાયકલોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આમ, વડોદરા પોલીસે ખેડા, આણંદ પંચમહાલમાંથી મોટર સાયકલોની ચોરીમાં સંડોવાયેલ આંતર જિલ્લા વાહનચોર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ આરોપીઓની પૂછપરછમાં ચોરી કરેલ મોટર સાયકલો મજહરઅલી તથા જાવેદઅલી મઝહરઅલી કાજી સૈયદને વેચી હોવાનું જણાવતા આ બંને પિતા-પુત્ર પાસેથી બીજી ત્રણ મોટર સાયકલો તથા એક મોટર સાયકલના છૂટા સ્પેર પાર્ટસ મળી કુલ પાંચ બાઈકો તથા સ્પેર પાર્ટસ મળી કુલ રૂ. ૧,૮૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ ઠાસરામાં સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા હોઈ ચોરીની મોટરસાયકલો સસ્તા ભાવે ખરીદી સ્પેર પાર્ટ્સ જુદા કરી વેચી દેતા હોવાનું બહાર આવેલ છે.

(5:54 pm IST)