Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વડતાલ સ્વામિનારાયણ મંદિર ગાદી વિવાદનો મામલો : આચાર્ય રાકેશ પ્રસાદની તરફેણમાં ચુકાદો

નડિયાદની કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા સત્સંગ મહાસભાએ મંદિરના ગાદીપતિ તરીકે રાકેશપ્રસાદની નિમણૂકને યોગ્ય ઠેરવી છે

અમદાવાદ તા. ૧૬ : સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના ગાદીપતિ માટે છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં આજે નડિયાદની કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સંસત્ગ મહાસભાએ મંદિરના ગાદીપતિ તરીકે રાકેશપ્રસાદની નિમણૂકને યોગ્ય ઠેરવી છે. નડીયાદની સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૦૩થી ગાદીપતિના મામલે ચુકાદો આપ્યો છે. આચાર્ય અજેન્દ્રપ્રસાદે સમગ્ર મામલાને કોર્ટમાં પડકાર્યો હતો.

ઉપરાંત અજેન્દ્રપ્રસાદને તમામ પ્રકારનાં પદો પરથી દૂર કર્યા છે. વહેલી સવારથી કોર્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકો તેમજ સત્સંગીઓ કોર્ટ સંકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખેડા જિલ્લા પોલીસે મંદિર તેમજ કોર્ટમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદીપતિ બનવા માટે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મંદિરમાંથી પદભ્રષ્ટ કરાયેલા અજેન્દ્રપ્રસાદ અને આચાર્ય રાકેશપ્રસાદ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. બંને આચાર્યો ગાદીપતિ હોવાનો દાવો કહી રહ્યા છે જેને લઇને કાનૂની જંગ ખેલાયો હતો.

વડતાલ મંદિરના ગાદીના પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદે સંપ્રદાયના નિયમ વિરુદ્ઘ જઇને વઢવાણ ખાતે ત્રીજી ગાદી સ્થાપીને શ્રીજી મહારાજના આદેશો અને પવિત્ર શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યું હતું. ઉપરાંત બ્રહ્મચારી અને સાધુને દીક્ષા ન આપવી, ગૃહસ્થ હરિભકતોને ગુરુમંત્ર ન આપવો, નૂતન મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કે પુનઃપ્રતિષ્ઠા ન કરવી, હરિભકતોના ત્યાં પધરામણી ન કરવી, ભેટ મંદિરમાં જમા ના કરાવવી અને તે પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લેવા જેવા અનેક મુદ્દાઓને લઇને વિવાદમાં આવ્યા હતા.

જેને લઇને ૩૧ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ સાળંગપુર ખાતે સંતો અને હરિભકતોની એક મહાસભા મળી હતી અને સર્વાનુમતે ઠરાવ પસાર કરીને અજેન્દ્રપ્રસાદને ગાદીપતિ તરીકે પદભ્રષ્ટ કર્યા હતા અને રાકેશપ્રસાદને ગાદીપતિ તરીકે બેસાડ્યા હતા.

અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરાતાં સમગ્ર મામલો નડિયાદ કોર્ટમાં પહોંચ્યો હતો. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ આજે નડિયાદના ત્રીજા સિનિયર સિવિલ અને એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જી.શાહ તેમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.(૨૧.૩૧)

(4:17 pm IST)