Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગાંધીનગર સે-29માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 83 હજારની મતાની ચોરી કરી

ગાંધીનગર:શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે ત્યારે સે-ર૯ની સરકારી વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૃા.૮૩૫૦૦ની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘરે પહોંચેલા પરિવારજનોને ચોરીની ઘટના અંગે જાણ થતાં સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહયો છે. તસ્કરો ખાસ કરીને બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી મોટી મત્તા ચોરી જવામાં સફળ પણ થઈ રહયા છે ત્યારે શહેરના સે-ર૯માં આવેલી સરકારી બી-ટાઈપ મકાન નં.૧૦૩/૩માં રહેતા અને એરફોર્સમાં લોન્ડ્રીમેન તરીકે ફરજ બજાવતાં રાજેશભાઈ ધુળાભાઈ પરમાર ગત તા.૧૩મીના રોજ નવી રીક્ષા લાવ્યા હતા. જેથી પરિવારમાં ખુશીની લાગણી હતી અને આ માટે વતન અંબાપુર ખાતે માતાજીનો નિવેધ કરવા માટે ગયા હતા. તેમનું મકાન બંધ હોવાથી તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનનું તાળું તોડી તિજોરીમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ૮૩૫૦૦ની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘરે પહોંચેલા પરિવારજનોને ચોરીનો અંદાજ આવી ગયો હતો અને આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:41 pm IST)