Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અમદાવાદ શહેરનું તાપમાન ફરીથી ૪૦ ડિગ્રીએ પહોંચશે

છ જિલ્લામાં વરસાદની આગાહીઃસાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો વેસ્ટ સિસ્ટમ બની હતી જે મૂવ થઇને સેન્ટ્રેલ રાજસ્થાન પર જશે ઃ મૌસમ વૈજ્ઞાનિક

અમદાવાદ, તા.૧૫

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની આજની આગાહીમાં જણાવ્યું છે. આ સાથે બે ત્રણ દિવસ પછી ગુજરાતના તાપમાનમાં ઘટાડો થવાની પણ આગાહી છે.

આજે સોમવારે, અમદાવાદના હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. આ આગાહીમાં મહત્તમ તાપમાન અંગે તેમણે જણાવ્યુ છે કે, મહત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ તે પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.

રામાશ્રય યાદવે મહત્તમ તાપમાનની વાત કરતા જણાવ્યુ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૯ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સાથે તેમણે આગામી ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૦ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાશે તેમ જણાવ્યુ છે.

આ સાથે તેમણે ગુજરાતના દરિયાકિનારે બીજા અને ત્રીજા દિવસે ડિસકમ્ફર્ટ કન્ડિશનની સ્થિતનું નિર્માણ થશે તેમ પણ જણાવ્યુ છે.

મોસમ વૈજ્ઞાનિકે રાજ્યમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદનું કારણ જણાવતા કહ્યુ કે, સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો વેસ્ટ સિસ્ટમ બની હતી. જે મૂવ થઇને સેન્ટ્રેલ રાજસ્થાન પર જશે. જેના કારણે છ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

રામાશ્રય યાદવે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે  છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જે બાદના દિનોમાં હવામાન શુષ્ક રહેશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, મોરબી, જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે.

(7:40 pm IST)