Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મહેસાણા ભાજપનો ગઢ હોવાની સાથોસાથ ઠાકોર સમાજની મત બેન્ક અંકે કરવા ઉત્તર ગુજરાતની ૪ બેઠકો પૈકી ૩ બેઠકો ઉપર કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને ટિકીટ આપી

જા કે કોંગ્રેસે કરેલો ખેલ ભાજપને ભારે પડી શકે તેમ છે

મહેસાણા: ભાજપ ઓપરેશન લોટસના સહારે બનાસકાંઠામાં ગેનીબેનને હરાવવા માટે મરણીયા પ્રયાસો કરી રહી છે. ભાજપે આ ઓપરેશનના સહારે પોરબંદરની માંડવિયાની સીટ અને હવે સુરેન્દ્રનગરની સીટ જીતવા માટે નવી રણનીતિ બનાવી છે. ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાના ટાર્ગેટ મૂક્યા છે પણ હવે ક્ષત્રિય આંદોલને તમામ સમીકરણો બદલી કાઢ્યા છે. ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે. રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. હવે કોંગ્રેસે કરેલો ખેલ ભાજપને ભારે પડી શકે છે. ભાજપ ઓપરેશન લોટસના સહારે કોંગ્રેસીઓ તોડી રહી છે પણ કોંગ્રેસે એક એવો ખેલ કર્યો છે જેના પગલે ભાજપના ઉમેદવારોને પરસેવો પડી શકે છે. બંને ઉમેદવારો સામે સ્થાનિકમાં નારાજગી વચ્ચે હવે કોંગ્રેસના ખેલને પગલે ભાજપના નેતાઓ પણ ટેન્શનમાં આવી ગયા છે.
મહેસાણા એ ભાજપની પરંપરાગત બેઠક
વાત છે મહેસાણા બેઠકની... કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પર એક સમયના અલ્પેશ ઠાકોરના સાથી એવા રામજી ઠાકોર અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિનેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા લોકસભામાં કોંગ્રેસે 26 વર્ષ બાદ ઠાકોરને તક આપી છે. તેની પાછળ હાલમાં ભાજપના પુરુષોતમ રૂપાલા સામે આખા રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં જોવા મળતા રોષનો લાભ મળવાની ગણતરી પણ રહેલી છે. કારણ કે, આ બેઠકમાં સૌથી વધુ પાટીદાર મતો પછી ઠાકોર સમાજના મત છે. મહેસાણા એ ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે.
રામજી ઠાકોર એ પાલવી દરબાર
દેશમાં ભાજપને સૌથી પહેલી બેઠક મહેસાણા મળી હતી. આ બેઠક એ પાટીદારનો ગઢ ગણાય છે. પાટીદાર બાદ સૌથી વધારે મતો આ બેઠક પર ઠાકોર સમાજના હોવા છતાં છેલ્લા 26 વર્ષથી આ બેઠક પર પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ ખેલાતો હતો. હવે કોંગ્રેસે અહીં નવી રણનીતિ અપનાવી છે. રામજી ઠાકોર એ પાલવી દરબાર છે. જેઓના મત સૌથી વધારે પાટણમાં છે. પાટણ બેઠક પર ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ છે. અહીં કોંગ્રેસે જાયન્ટ કિલર ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. ચંદનજીએ એક સમયે ભાજપ સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતને ઘરભેગા કરી દીધા હતા. આ બેઠક પર ભાજપે ભરતસિંહ ડાભીને રિપિટ કર્યા છે. આ બેઠક પર ઉમેદવાર બદલાય તેવી પૂરી સંભાવના વચ્ચે ભાજપે ભરતસિંહને રીપિટ કરતાં સ્થાનિકમાં પણ અંસતોષ છે. ચંદનજી અહીં પાઘડીના વટ માટે ચૂંટણી લડી રહ્યાં છે.
ક્ષત્રિયો એક થયા તો ભાજપને ટેન્શન લાવી શકે છે
કોંગ્રેસે અહીં બહુ જ મોટો ખેલ રચ્યો છે. મહેસાણા એ ભાજપનો ગઢ હોવાની સાથે ઠાકોર સમાજની મતબેંક અંકે કરવા માટે ઉત્તર ગુજરાતની 4 બેઠકો પૈકી 3 બેઠકો પર ઠાકોર ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ ત્રણેય બેઠકો પર ઠાકોર સમાજનું જબરદસ્ત વર્ચસ્વ છે. અહીં ક્ષત્રિયો એક થયા તો ભાજપને ટેન્શન લાવી શકે છે. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે મહેસાણા બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. અહીં પાટીદાર ઉમેદવાર ઉતારવા છતાં પણ પાટીદારો ભાજપના ઉમેદવારને મત આપી જીતાડી રહ્યાં છે. એટલે કોંગ્રેસે આ ચૂંટણીમાં ઠાકોર ઉમેદવાર ભરોસો મૂક્યો છે. જેની સીધી અસર પાટણ લોકસભા બેઠક પર પડશે. એક સાથે 3 લોકસભા બેઠક પર ઠાકોર ઉમેદવારના સમીકરણો એક થશે. ગેનીબેનને વધારે ફાયદો થાય એના કરતાં પાટણમાં ચંદનજીને આ ઉમેદવારીથી સીધો લાભ થવાની સંભાવના છે. કોંગ્રેસે માત્ર પાટણ નહીં પણ કોંગ્રેસના બળવાખોર નેતા સી. જે ચાવડાને પણ ઘરભેગા કરવા માટે અહીં પ્લાન ઘડ્યો છે.
પાટીદારો ટેકો આપશે એ સૌથી મોટો સવાલ
સી. જે. ચાવડા કોંગ્રેસમાંથી 7000 મતથી જીત્યા હતા પણ પાટલી બદલીને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ એમની જ સીટ પરથી ફરી ચૂંટણી લડાવી રહી છે. ચાવડા અહીંથી જીતી ગયા તો કેબિનેટ મંત્રી બને તેવી પૂરી સંભાવના છે પણ અહીં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની જશે. ચાવડા ભાજપમાં જોડાતાં અહીં પાટીદાર સમાજનું પિક્ચર પુરૂ થઈ જાય તેવી સંભાવનાને પગલે રમણ પટેલ, પીઆઈ પટેલ અને સુરેશ પટેલ કેવો ટેકો આપે છે તેની પર મોટો આધાર છે. કોંગ્રેસે પણ અહીં ખેલ કરી પાટીદાર સમાજના અગ્રણીને ટિકિટ આપી છે. કોગ્રેસમાંથી દિનેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે જો અહીં સી. જે વનવે જીતી જાય અને આ બેઠક પરથી મંત્રી બને તો પાટીદાર સમાજનું રાજકારણ અહીં પુરૂ થવાની પૂરી સંભાવના છે. જેથી પાટીદારો સાથે રહેશે કે કેમ એ મોટો સવાલ છે.
ચાવડા પર ભાજપૂતનો સિક્કો..
રામજી ઠાકોર ઠાકોર સમાજના મત તોડશે અને ચાવડા પર હાલમાં ભાજપૂતનો સિક્કો હોવાથી ક્ષત્રિયો પણ નારાજ છે. અહીં ગરાશિયા દરબારોનો વટ છે પણ જેઓ ચાવડાથી નારાજ છે. જેમના દમ પર જ ચાવડા આ બેઠક જીત્યા હતા. જો રૂપાલા વિવાદનો ઉકેલ નહીં આવ્યો તો ચાવડાને આ વિવાદ ભારે પડશે તેમાં કોઈ શંકા નથી. ચાવડા મંત્રી બનવા માટે ભાજપમાં જોડાયા છે પણ એમના અરમાનો અધૂરા રહે તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસે અહીં મોટો ખેલ કર્યો છે. રામજી ઠાકોર એ એક સમયે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના કરીબી હતા. જેઓ સી. જે ચાવડાને નડીને અલ્પેશ માટે મંત્રીપદના દરવાજા ખુલ્લા રાખી શકે છે. ચાવડા જીતે તો અલ્પેશ ઠાકોર માટે લીલીપેનથી સહી કરવાના સપનાં રોળાઈ શકે તેમ છે.

(5:07 pm IST)