Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

દંપત્તિની હત્યાના આરોપીઓએ નવરંગપુરામાં પણ રેકી કરી હતી

સોલા વિસ્તારમાં દંપતીની હત્યાનો મામલો : દંપત્તિની હત્યામાં ઝડપાયેલા આરોપીના ૩ દિનના રિમાન્ડ

અમદાવાદ,તા.૧૬ : શહેરના સોલા વિસ્તારમાં ચકચારી બેવડી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓ હાલ ૧૦ દિવસના રિમાન્ડ પર છે. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત ૫ આરોપી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓએ નવરંગપુરામાં પણ લૂંટના ઇરાદે એક દંપતીની હત્યા કરવા રેકી કરી હતી. જોકે, દંપતી જાગતું હોવાથી પ્લાન સફળ રહ્યો ન હતો. આરોપીઓ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હતું. આરોપીઓ સોસાયટીમાંથી ભાગ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શહેરના નવરંગપુરામાં આવેલ સુવાસ કોલોનીમાં રહેતા કૌશલભાઈ પટેલ કન્સ્ટ્રકશનનો ધંધો કરી પરિવાર સાથે રહે છે.

એકાદ વર્ષ પહેલા તેઓએ તેના ઓળખીતા રાજુભાઇ મિસ્ત્રી પાસે ફર્નિચરનું કામ કરાવ્યું હતું. તેઓની સાથે બે કારીગર આવતા હતા. બાદમાં લોકડાઉન આવતા વધુ કામ હોવાથી તેઓ વધુ બે કારીગર લાવ્યા હતા. બંને વ્યવસ્થિત કામ ન કરતા હોવાથી હિસાબ કરીને બંનેને રજા આપી દેવામાં આવી હતી. ગત ૧૨મી ફેબ્રુઆરીએ રાત્રે તેઓના ઘરમાં કામ કરતા સોહન મીણાએ તેઓને ફોન કરીને જણાવ્યું કે, ઘરની આસપાસ કેટલાક લોકો ફરી રહ્યા છે. જેથી કૌશલભાઈને કોઈ લોકોનો અવાજ આવતા તેઓ અને તેમની પત્ની જાગી ગયા હતા. બાદમાં પાડોશીને જાણ કરે તે પહેલા જ આ શખ્સો ભાગી ગયા હતા. આ શખ્સો ધાબાનો દરવાજો ખુલ્લો હોવાથી તેના વાટે ઘરમાં પ્રવેશ્યા હતા અને મુખ્ય દરવાજેથી ભાગી ગયા હતા.

બાદમાં બાજુના ઘરના સીસીટીવી જોતા છ લોકો બે વાહન પર હથિયાર સાથે ભાગતા જોવા મળ્યા હતા. બાદમાં આ અંગે કૌશલભાઈએ પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન મીડિયામાં હેબતપુરમાં દંપતીની હત્યા થઈ હતી. આ કેસમાં આરોપીઓ પકડાયા બાદ તેઓએ નવરંગપુરામાં પણ હથિયાર સાથે ધાડનો પ્રયાસ કર્યો હોવાની વાત જાણવા મળતા આખરે નવરંગપુરામાં આરોપી રવિ શર્મા, રાહુલ ઉર્ફે ગોલુ, સંજય વિશ્વકર્મા, નીતિન, બ્રિજમોહન ઉર્ફે બિરજુ અને આશિષ વિશ્વકર્મા સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી આશિષ અને સંજય બંને નવરંગપુરા ખાતે પણ ફર્નિચરનું કામ કરતા હોવાથી તેઓએ ઘરની રેકી કરી હતી. આ ઉપરાંત બંને તમામ ગતિવિધિઓથી વાકેફ હતા.

(9:38 pm IST)