Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

અમદાવાદમાં રાષ્‍ટ્રીય રસીકરણ દિવસ નિમિતે 90 વર્ષના ઐયર દંપત્તિએ કોરોના રસી લીધીઃ એક સાથે ત્રણ પેઢી મહામારીથી બચવા આગળ આવી

અમદાવાદ: આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ત્યારે કોરોના મહામારીએ લોકોને રસીકરણનું મહત્વ સમજાવ્યું છે. કોરોના મહામારીએ વિશ્વમાં લાખો લોકોનો સંક્રમિત કર્યા છે. કોરોના વાયરસ સામે જંગમાં વેક્સીન પણ તૈયાર કરવામાં આવી છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીન ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મોકલાવવામાં આવી રહી છે અને લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે આજે નેશનલ વેક્સીનેશન દિવસ નિમિતે સિવિલના રસીકરણ કેન્દ્ર પર 90 વર્ષીય ઐયર દંપતીએ કોરોના રસી લઇ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજે નેશનલ વેક્સીનેશન દિવસ પર અમદાવાદના ઐયર પરિવારની ત્રીજી પેઢીએ વેક્સીન લીધી છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્ર પર 90 વર્ષીય ઐયર દંપતીએ કોરોના વેક્સીન લઇ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યં છે. જો કે, આ પહેલા ઐયર પરિવારના 60 વર્ષના પુત્રએ વક્સીન લીધી હતી. તેમજ ઐયર પરિવારની પૌત્રી જયશ્રી રામજી પણ ડોક્ટર હોવાથી અને કોરોના વેક્સીનનું મહત્વ જાણતા હોવાથી તેમણે પણ રસી લીધી હતી. ત્યારે ઐયર પરિવારના 90 વર્ષીય વૃદ્ધ દંપતીએ વેક્સીન લઇને નેશનલ વેક્સીનેશન ડેની ઉજવણી કરી અને સમાજને એક સંદેશો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 16 માર્ચના રોજ નેશનલ વેક્સીનેશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1955 માં ભારતમાં પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને જડમૂળમાંથી દૂર કરવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી ધીરે ધીરે પોલિયોના કેસ ઘટતા ગયા અને વર્ષ 2014 માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો.

(4:15 pm IST)