Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

પ્રગતિશીલ સરકારનું પ્રગતિશીલ બજેટ: કરવેરા વિનાનું આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ

કોરોનાકાળમાં આવકની મર્યાદા હોવા છતાં પણ રાજ્યના વિકાસ માટે ખર્ચની સહેજ પણ ચિંતા આ સરકારે કરી નથી :લોકડાઉનમાં રાજ્યના નાગરિકોને જ્યારે મદદની જરૂર હતી ત્યારે આ સરકાર સતત તેમની પડખે ઉભી રહી છે, તે અભિનંદનને પાત્ર:ગુજરાત વર્ષોથી ડબલ ડિજિટ ગ્રોથ રેટ ઉપર ચાલતુ આવ્યુ છે

અમદાવાદ : રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે અંદાજપત્રની ચર્ચાના ચોથા દિવસે વિધાનસભા ગૃહમાં ઉત્તર આપતા જણાવ્યું હતું કે, આ પ્રગતિશીલ સરકારનું પ્રગતિશીલ બજેટ છે. કરવેરા વિનાનું આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે.  કોરોનાના કપરા સમયમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે એક પણ નવા કરવેરા નાંખ્યા સિવાયનું બજેટ ગુજરાતની જનતાને આપ્યું છે.

  ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, કોરોના સમયના લીધે વિશ્વના દેશો પણ નાણાકીય વ્યવસ્થાપનમાં હેરાન છે ત્યારે ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકારે લોકોના માથે કોઈપણ પ્રકારનો બોજ વધાર્યો નથી. ગુજરાત સરકારે ૨ લાખ ૨૭ હજાર કરોડનું બજેટ આપ્યું છે, પણ અગત્યનું એ છે કે, એકપણ કરવેરા નાંખ્યા વગરનું આ બજેટ છે. દેશના અન્ય રાજ્યોમાં આ વખતે બજેટમાં વેરાઓ વધારવામાં આવ્યા છે. પરંતુ ગુજરાત સરકારે એક પણ રૂપિયાનો વેરો વધાર્યો નથી અને આવક વધારી છે.
  મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત વર્ષોથી ડબલ ડિજિટ ગ્રોથ રેટ ઉપર ચાલતુ આવ્યુ છે, જ્યારે ભારત દેશનો ગ્રોથ રેટ ૪ થી ૬ ટકા હોય ત્યારે ગુજરાતનો ગ્રોથરેટ ૧૦ ટકા કે તેથી વધુ રહ્યો છે.
ઊર્જા મંત્રીશ્રીએ સભ્યોના પ્રશ્નોના ઉત્તર આપતા એમ પણ જણાવ્યું કે, કોરોનાના કપરા સમયમાં લોકોને આર્થિક સહાય માટે આત્મનિર્ભરનું પેકેજ પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું છે. પ્રવર્તમાન સમયમાં આવકની મર્યાદા હોવા છતાં પણ રાજ્યના વિકાસ માટે ખર્ચની સહેજ પણ ચિંતા આ સરકારે કરી નથી.
  અંદાજપત્રમાં કરેલી જોગવાઈઓ સંદર્ભે ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, રૂ.૧૦૯૦ કરોડ ખેતી વિષયક ખર્ચ આત્મનિર્ભર યોજનામાં, ૫૭૮ કરોડ આત્મનિર્ભર યોજનામાં લોન ઉપર વ્યાજ આપ્યું, રૂ.૩૧૧ કરોડ સ્વરોજગાર યોજનાઓ પાછળ, રૂ. ૪૭૭૫ કરોડ ગરીબોને અનાજ વિતરણ અર્થે તથા  રૂ.૪૪૦ કરોડ ઇલેકટ્રીક ડ્યુટીના રીલીફ માટે કર્યો. રૂા.૬૫૦ કરોડ ઘરવપરાશના જે ૨૦૦ યુનિટ હતા તેના ૧૦૦ યુનિટ માફ કરવામાં કર્યો, જયારે લોકડાઉનમાં રાજ્યના નાગરિકોને મદદની જરૂર હતી ત્યારે આ સરકાર તેમની પડખે ઉભી રહી છે, તે અભિનંદનને પાત્ર છે.
ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દેવું કરવા અને તેને સરભર કરવા સક્ષમ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર કેન્દ્ર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કાયદા પ્રમાણે દેવું કરે છે. એટલું જ નહીં, ખર્ચ કરવામાં પણ ખૂબ તકેદારી રાખે છે.
  ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, આ સરકાર ગરીબો અને વંચિતોની સરકાર છે. આ સરકારે આદિજાતિના વિસ્તારોના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. એટલું જ નહીં દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ  ‘‘સાગરખેડુ યોજના’’ અમલી બનાવી છે. સાગરખેડુ યોજનાનો ૭૦ લાખ લોકોને લાભ થશે અને સરકારમાં વધુ બે લાખથી વધુ નોકરી પૂરી પાડવાનું આયોજન છે. તેમણે જણાવ્યું કે, માત્ર સરકારી નોકરી જ રોજગારીનું સાધન છે, તેવું નથી પરંતુ ગુજરાત રોકાણકારો માટે વિશ્વાસપાત્ર સ્થળ હોવાથી દેશભરના ઉદ્યોગો અહીં આવી રહ્યા હોઇ આ રોકાણોમાંથી 20 લાખ લોકોને રોજગારી આવનાર દિવસોમાં મળશે તેવો
વિશ્વાસ છે.
  ઊર્જા મંત્રીએ ગત વર્ષના બજેટની જોગવાઇઓની સરખામણી કરતા જણાવ્યું કે, ગયા વખતે પાણીના ડીસેલીનેશનમાં ૫ કરોડ રૂપિયા હતા જે આ વખતે ૩૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ૨૭ કરોડ લિટર પાણીનું ડીસેલીનેશન થવાનું છે. આ ડીસેલીનેશનની પહેલ કરનાર એક માત્ર રાજ્ય ગુજરાત છે. 
  શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે સૌથી વધુ 32 હજાર કરોડની રકમ ફાળવવામાં આવી છે. શિક્ષણ એ અમારો પાયો છે અને શિક્ષણ માટે એકપણ રૂપિયાની કરકસર કરી નથી. સાથોસાથ ગરીબ અને આર્થિક રીતે પછાત એવા બાળકો  શિક્ષણ -રાઇટ ટુ એજ્યુકેશન માટે બાળકોને 567 કરોડ રૂપિયા જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે.
  ઊર્જા મંત્રીએ એમ પણ જણાવ્યું કે ક્લાઈમેટ ચેન્જ હેઠળ સોલાર રૂફટોપની કામગીરી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે આ માટે રૂપિયા 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
દેશના રોકાણકારો માટે ગુજરાત હવે ‘‘ફાયનાન્સિયલ હબ’’ પણ બન્યું છે. ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં હાલ એક લાખ કરોડનું ટર્ન ઓવર થઈ રહ્યું છે એટલું જ નહિ આ ‘‘ફાયનાન્સિયલ હબ’’ ગિફ્ટ સિટીમાં રોકાણ કરનારને દસ વર્ષ સુધી કરમાફી આપવામાં પણ આવી છે. અહીં સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ બેન્કો કામ કરે છે. ૧૨,૦૦૦ કરતા પણ વધુ લોકોને અહીં રોજગારી મળી છે. એટલું જ નહીં બ્રીક્સ (BRICS) દેશોની ઝોનલ ઓફિસ પણ અહીં ઉભી થઇ રહી છે

(8:15 pm IST)