Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

બેંકમાં ફાયરિંગ કરીને એક કરોડની લૂંટ કરાયાની શંકા

બાઇક પર આવેલા શખ્‍સોની ફાયરિંગ કરી લૂંટ : લૂંટારૂં શખ્‍સો દ્વારા કરાયેલા ફાયરિંગમાં એક્‍સિસ બેંકના કર્મચારીને ઇજા : ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન

અમદાવાદ,તા.૧૬ : કલોલ તાલુકામાં છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક્‍સિસ બેંકમાં ફાયરીંગ કરી લૂંટના બનાવને અંજામ અપાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. બાઈક પર આવેલા ત્રણ શખ્‍સ ફાયરિંગ કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સનસનાટીભર્યા લૂંટના આ બનાવમાં, અંદાજે એક કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની શકયતા સેવાઇ રહી છે, જો કે, પોલીસ સમગ્ર મામલે તપાસ અને ખરાઇ કરી રહી છે. બીજીબાજુ, લૂંટારુ શખ્‍સ દ્વારા કરાયેલા  ફાયરિંગમાં બેંકના કર્મચારીને પગમાં ગોળી વાગતા તેને ઇજા પહોંચતા સારવાર માટે તેને હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. લૂંટની આ ગંભીર ધટનાને પગલે કલોલ તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બેંક પર પહોંચી ગયો હતો. પોલીસે બેંકના સીસીટીવી ફુટેજના આધારે ગુનાની તપાસ શરૂ કરી છે. પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કલોલના છત્રાલ વિસ્‍તારમાં આવેલ જીઆઇડીસીમાં આવેલ એક્‍સિસ બેંકમાં બપોરે લગભગ ત્રણ વાગ્‍યાની આસપાસ લૂંટનો બનાવ બન્‍યો હતો. પેશન બાઈક પર આવેલા ત્રણ શખ્‍સોએ ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી અને ગણતરીની સેકન્‍ડોમાં બાઇક પર જ ફરાર થઈ ગયા હતા. બેંકમાં લગભગ ૪૩.૮૮ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની શકયતા છે. બેન્‍કના એક મહિલા કર્મીના સોનાના દોરાની પણ લૂંટ ચલાવી હતી. તમને જણાવી દઇએ કે, લૂંટારુંઓ હિન્‍દી ભાષા બોલતા હતા. બનાવની જાણ થતાં જ બેંક કર્મચારીઓ સહિત આસપાસના વિસ્‍તાર અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ધટનાની જાણ થતાં સ્‍થાનિક પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો પણ તાત્‍કાલિક ત્‍યાં દોડી આવ્‍યો હતો. પોલીસ દ્વારા આસપાસના તમામ વિસ્‍તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે બેંકના અને આસપાસના વિસ્‍તારના સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ સમગ્ર ધટનામાં લૂંટની રકમના આંકને લઇ હજુ સ્‍થિતિ સ્‍પષ્ટ થઇ શકી નથી.  બેંકમાં રૂ.૪૩.૮૮ લાખની રકમ હતી પરંતુ બીજીબાજુ, બેંક વર્તુળમાં ચાલેલી ચર્ચા મુજબ, લૂંટની રકમનો આંક એક કરોડની આસપાસનો મનાઇ રહ્યો છે, જેથી પોલીસે હવે સમગ્ર મામલે ખરાઇની પણ તજવીજ હાથ ધરી છે કે, વાસ્‍તવમાં લૂંટારૂઓ કેટલી રકમ  બેંકમાંથી લૂંટીને ફરાર થયા છે. 

પોલીસે બેંક કર્મચારીઓ અને આસપાસના સ્‍થાનિકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.

 

(8:41 pm IST)