Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદની શાન ગણાતી લો ગાર્ડન આસપાસની ખાણીપીણી બજાર ફરીથી ધમધમશે

અમદાવાદઃ લો ગાર્ડન અને તેની આસપાસનું ખાણીપીણી બજાર હંમેશાથી અમદાવાદની શાન સમાન ગણાય છે. ત્યારે થોડા સમય પહેલા ખાણીપીણી બજાર હટાવી લેવાયું હતું. પરંતુ અમદાવાદની આગવી ઓળખ સમાન લો-ગાર્ડન ફૂડ બજાર ફરી શરૂ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5.50 કરોડના ખર્ચે હેપ્પી સ્ટ્રીટની ડિઝાઇન સાથે ફૂડ બજારને વિકસાવશે. જેની ડિઝાઈન એનઆઈડીએ તૈયાર કરી છે. ફૂડ સ્ટ્રીટમાં વેપારીઓ ટેન્ડર ભરી પોતાના ફૂડ સ્ટોલ ખોલી શકશે. ત્યાર બાદ મિલ્સ ઓન વ્હીલ્સ જેવું ફૂડ બજાર તૈયાર કરાશે. જેનો કન્સેપ્ટ હેપ્પી સ્ટ્રીટનો રાખ્યો છે. તેમજ લો ગાર્ડનની આસપાસના ખાલી વિસ્તારનો રાત્રે ફૂડ બજાર અને સવારે પાર્કિંગ માટે ઉપયોગ કરાશે.

શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઇકોર્ટની ફટકાર બાદ ગત 1 ઓગષ્ટે દબાણ હટાવ ઝુંબેશમાં લો-ગાર્ડન ખાણીપીણી બજાર પણ આવી ગયું હતું. 50થી વધુ નાસ્તાના લારી-ગલ્લાનાં દબાણો લો-ગાર્ડન પાસેથી દૂર કરી દેવાયા હતા. દબાણો દૂર થયા બાદ ખાણીપીણી બજાર ફરી શરૂ કરવા વેપારીઓએ વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજ્યા હતા. ત્યારે નવા આયોજન અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા કરીને વેપારીઓને ફૂડ ઓન વ્હીલ અંતર્ગત જગ્યા ફાળવવામાં આવશે.

વિશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે, ફૂડ બજાર હેપ્પી સ્ટ્રીટની ડિઝાઇન એનઆઈડી દ્વારા તૈયાર કરાઈ છે. જેને બનાવવા માટે આજથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આગામી મહિનામાં ફૂડ બજાર તૈયાર થાય તેવું આયોજન છે. વેપારીઓ ટેન્ડરથી ફૂડ સ્ટોલ લગાવી શકશે.

(5:02 pm IST)