Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગાંધીનગર: બહેનના ઘરે ઉતરાયણ કરવા આવેલ ભાઈને વીજ કરંટ લાગતા મોતના મોમાં ધકેલાયો

ગાંધીનગર: જિલ્લાના સાદરા ખાતે ઉત્તરાયણ પર્વમાં બહેનના ઘરે આવેલાં ભાઇ પતંગ ચગાવતી વખતે બાજુમાંથી પસાર થઇ રહેલાં ઇલેક્ટ્રીક વાયરને અડકી જતાં કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. આમ ઉત્તરાયણની ઉજવણી માતમમાં ફેરવાઇ હોય તેમ સમગ્ર ગામમાં ગમગીની ભર્યો માહોલ છવાયો હતો. તો આ અંગે પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૧૪મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ઘણી વખત દોરી વાગવાની તેમજ ધાબા ઉપર પડી જવાના પગલે ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે તો આ પર્વમાં ઇલેકટ્રીક વાયરો પણ જોખમી બનતાં હોય છે અને તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઇ જતી હોય તેવી ઘટનાઓનું પણ નિર્માણ થતું હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના મોતીપુરા - સાદરા ગામમાં તલોલ તાલુકાના રાપણીયા ગામના ૨૩ વર્ષિય કાળુસિંહ મગનસિંહ પરમાર પોતાની બહેનના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવા આવ્યા હતાં. વહેલી સવારથી તેઓ ધાબા ઉપર પતંગ - દોરી સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા હતાં.
ત્યારે બપોરના સમયે ધાબા ઉપરથી પસાર થતી ઇલેકટ્રીક લાઇનને અડી જતાં કાળુસિંહને કરંટ લાગ્યો હતો. જેની જાણ તેમની બહેન તથા પરિવારને થતાં તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઇ જવામાં આવ્યા હતાં. પરંતુ કરંટ એટલો જોરદાર હતો કે, તેમનું મોત નિપજ્યું હતું. આમ ઘટનાની જાણ સમગ્ર ગામમાં થતાં તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઇ હતી અને આ વિસ્તારમાં ગમગીની છવાઇ હતી. પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(6:03 pm IST)