Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મરોલી-સચિન રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેને નીચે પડેલ બે યુવાનો પૈકી એક મોતને ભેટ્યો

નવસારી:મરોલી-સચીન રેલવે સ્ટેશન વચ્ચે પોસરા ગામે રેલવે ફાટક નજીક વિરાર શટલમાં દરવાજા પાસે ઉભા રહીને મુસાફરી કરતા બે યુવાનો  ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.

નવસારીના ભેંસતખાડા, માછીવાડમાં રહેતો મિતેસ રમેશભાઇ ઢીમ્મર (ઉ.વ. ૩૩) તેમજ  જલાલપોર તાલુકાના મછાડ ગામે રહેતો તૌસીફમીયા કાદરમીયા શેખ (ઉ.વ. ૩૫) સુરતની કંપનીમાં નોકરી કરે છે. તા. ૧૩ના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે મિતેશ અને તૌસીફમીયા  વિરાર શટલ ટ્રેનમાં ચિક્કાર ભીડ વચ્ચે ટ્રેનના દરવાજા પાસે ઉભા રહીને મુસાફરી કરી નવસારી આવી રહ્યાં હતાં.

તે સમયે મરોલી-સચીન રેલ્વે સ્ટેશન વચ્ચે પોંસરા ગામે રેલ્વે ફાટક પાસે બંનેના હાથ છુટી જતાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા મુસાફરોમાં ભારે હલચલ મચી ગઇ હતી. સમાચાર સાંભળી તેમના મિત્રો મરોલી સ્ટેશને ઉતરી જઇ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બંનેને નવસારી યશફીન હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવતાં ટુંકી સારવાર બાદ મીતેશનું મોત નીપજ્યું હતું. જ્યારે તૌસીફમીંયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

યશફીન હોસ્પિટલની માહિતી મુજબ તૌસીફમીયા ચાલુ ટ્રેનમાંથી પટકાતા તેને જોવા માટે જતાં મીતેશ પણ અકસ્માતે નીચે પટકાયો હતો અને થાંભલા સાથે અથડાતા તેનું મોત નીપજ્યું હતું. આ દિવસે અન્ય ટ્રેન સમય કરતા વધુ મોડી હોય વિરાર શટલ ટ્રેનમાં  બેસવા મુસાફરોએ ભારે ધસારો કરતાં ચિક્કાર ગીરદીના કારણે રોજીંદા મુસાફરોએ ટ્રેનના દરવાજો જીવના જોખમે લટકીને મુસાફરી કરવી પડી હતી.

(6:02 pm IST)