Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમદાવાદમાં ફરજ પર બેદરકારી બદલ PSIને અંતે સસ્પેન્ડ કરાયા

સરદારનગર-કુબરનગરના પીએસઆઈ સસ્પેન્ડ : ડીસીપી ઝોન-૪ના નીરજ બડગુજરનો સપાટો : એકસાથે બે પીએસઆઇ સસ્પેન્ડ થતા પોલીસ તંત્રમાં ભારે ચકચાર

અમદાવાદ, તા.૧૫ : અમદાવાદનો સરદાનગર વિસ્તાર દારૂ-જુગાર માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં પોલીસ ધારે તો પણ દારૂ અને જુગાર સંપુર્ણ રીતે બંધ કરાવી શકે તેવી સ્થિતિ નથી. જો કે, આ માન્યતાને દૂર કરવા છેલ્લા કેટલાક સમયથી સેકટર-૨ની પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ છાશવારે આ વિસ્તારોમાં દરોડા પાડી દારૂ વિરોધી ઝુંબેશ ચલાવી રહ્યા છે તેમછતાં હજુ આ બદીને સંપૂર્ણપણે નાથી શકાઇ નથી ત્યાં સરદારનગર વિસ્તારમાં એક સપ્તાહ પહેલા જુગારની રેડના ચકચારભર્યા પ્રકરણમાં ફરજમાં ગંભીર બેદરકારી સામે આવતાં સરદારનગર પોલીસમથકના ડીસ્ટાફ પીએસઆઇ એમ.એમ.ઠાકોર અને કુબેરનગર પોલીસ ચોકીના પીએસઆઇ વી.જી.પટેલને ડીસીપી ઝોન-૪ નીરજ બડગુજરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. બે પીએસઆઇને તાત્કાલિક સસ્પેન્ડ કર્યાના સમાચાર વહેતાં થતાં શહેર પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સરદારનગર, છારાનગર, કુબેરનગર જેવા વિસ્તારમાં ચાલી રહેલી દારૂ-જુગારની બદીઓને નાથવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારીઓ ઉપર હુમલા પણ થાય છે. તાજેતરમાં ડીજીપી હસ્તકના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સરદાનગર વિસ્તારમાં એક સપ્તાહમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી. આ રેડના પગલે આ આ વિસ્તારનો હવાલો સંભાળતા ડીસીપી નિરજ બડગુજરે સરદારનગરના સર્વેલન્સ સ્ક્વોડના સબઈન્સપેક્ટર સહિત બે પીએસઆઈને ફરજ મોકુફી ઉપર ઉતારી ખાતાકીય તપાસ સોંપી છે. આ અંગેની વિગત એવી છે, ચાર મહિના પહેલા સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન કરી રહેલી પોલીસ ઉપર હુમલો થતાં આસપાસના પોલીસ મથકોને પણ સરદારનગર વિસ્તારમાં મોકલી આપ્યા હતા. જ્યા પોલીસે વધુ પડતા બળનો પ્રયોગ કર્યો છે તેવી ફરિયાદ કોર્ટમાં નોંધાઈ હતી. આ પ્રકરણ હજી શાંત પડ્યુ નથી ત્યારે ડીજીપી મોનીટરીંગ સેલ દ્વારા એક સપ્તાહમાં બે જુગારની રેડ કરવામાં આવી હતી. જેમાં એક રેડમાં રૂપિયા ૫૦ હજાર અને બીજી રેડમાં ૧૭ હજારનો મુદ્દામાલ પકડાયો હતો. આમ સ્થાનિક પોલીસની જાણ બહાર બંન્ને દરોડા પડ્યા હતા. આ મામલાને ગંભીર ગણી ડીસીપી નિરજ બડગુજરે સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ. એમ. ઠાકોર અને કુબેરનગર ચોકીના પીએસઆઈ વી. જી. પટેલને ફરજમાં બેદરકારી દાખવવાના આરોપસર ફરજ મોકુફી ઉપર ઉતારી દીધા છે. ખાતાકીય તપાસમાં આ બંને પોલીસ સબ ઈન્સપેક્ટર્સ તેમના વિસ્તારમાં ચાલતી આ પ્રવૃત્તી અંગે વાકેફ હતા કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. જો કે, બે પીએએસઆઇને સસ્પેન્ડ કરી દેવાયાના સમાચારને પગલે શહેર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:11 pm IST)