Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે એક એન.આર.આઈ સહિત 49 પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સમાજ કલ્યાણ અને ધર્મનો પ્રચાર કરીને સંપ્રદાયનો ડંકો વગાડશે

કાર્તકી સમૈયાનાં પ્રબોધિની એકાદશીનાં પર્વ પ્રસંગે સવારે 7 કલાકે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વીમીના આસને પૂ.આચાર્ય મહારાજે ર બ્રહમચારી તથા 47 પાર્ષદો મળી કુલ 49 મુમુક્ષોને કંઠી પહેરાવીને ગુરુમંત્ર આપીને સંત દીક્ષા આપવામાં આવી હતી

વડતાલ: સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ દિવ્યતાથી દિવ્ય ઉજવાઈ રહેલા કાર્તકી સમૈયાના ત્રીજા દિવસે પ્રબોધિની એકાદશી પર્વ પ્રસંગે સ.ગુ.શા.ગોપાળાનંદ સ્વામીના આસને પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે એક એન.આર.આઈ સહિત 49 પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સમાજ કલ્યાણ અને ધર્મનો પ્રચાર કરીને સંપ્રદાયનો ડંકો વગાડશે. આ નવનિયુક્ત દીક્ષાર્થીઓને આચાર્ય મહારાજશ્રી તથા સંપ્રદાયના વડીલ સંતોએ શુભઆશીર્વાદ આપ્યા હતા. આ દિવ્ય પ્રસંગે મંદિરમાં બિરાજેલા શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદી દેવો સન્મુખ હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીશ્રી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં કાર્તિકી સમૈયો ધામધુમથી ઉજવાય રહેલો છે. કાર્તકી સમૈયાનાં પ્રબોધિની એકાદશીનાં પર્વ પ્રસંગે સવારે 7 કલાકે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વીમીના આસને પૂ.આચાર્ય મહારાજે ર બ્રહમચારી તથા 47 પાર્ષદો મળી કુલ 49 મુમુક્ષોને કંઠી પહેરાવીને ગુરુમંત્ર આપીને સંત દીક્ષા આપવામાં આવી હતી. જેમાં વડતાલનાં 18, જુનાગઢના 27 અને ગઢડાના 4 લોકોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઉપસ્થિત સંતો તથા હરિભક્તોએ સ્વામિનારાયણ મહામંત્રનો જયઘોષ કરીને નવયુક્ત દીક્ષાર્થી સંતોને વધાવ્યા હતા. ત્યારબાદ નવદિક્ષાર્થી સંતો મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને મંદિરના પટાંગણમાં વિશાળ સભામંડપમાં પધાર્યા હતા. ત્યારે આ નવદિક્ષાર્થીઓનું આગમન થતા સભામંડપમાં ઉપસ્થિત સહુ હરિભક્તોએ ઉભા થઈને સ્વામિનારાયણના ગગનભેદી નાદ સાથે વધાવ્યા હતા. આચાર્ય મહારાજ તથા વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા પૂ. ઈશ્વરચરણ સ્વામીએ નવયુક્ત દિક્ષાર્થીઓને પુષ્પમાળા પહેરાવીને દીક્ષાર્થીઓએ પણ આશીર્વાદ લીધા હતા.

આ ઉપરાંત નવદીક્ષીત સંતોએ સભામંડપમાં પોતાની આગવી શૈલીમાં સત્સંગ પ્રવચન કરીને સહુને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાનાં પ્રમુખ પૂ. નૌતમપ્રકાશ સ્વામી, પૂ.જ્ઞાનજીવન સ્વામી,પૂ. જ્ઞાનપ્રકાશ સ્વામી, પૂ. લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂ. બાપુ સ્વામી, પૂ. નિત્યસ્વરુપ સ્વામી, પૂ. ધર્મવલ્લભ સ્વામી તથા પૂ. બાલકૃષ્ણ સ્વામી તથા દીક્ષાર્થી સંતોના ગુરુ સહિત સંપ્રદાયનાં વડીલ સંતોએ આશીવચન પાઠવ્યા હતા.

આચાર્ય મહારાજ આરુઢ થયા બાદ સંપ્રદાયમાં 768 સંતોએ દીક્ષા લીધી

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજશ્રી ગાદીપર આરુઢ થયા બાદ સંપ્રદાયમાં કુલ 768 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં વડતાલના 396, જૂનાગઢના 322, ગઢડાના 44 અને 6 સંતોએ ભાગવતી દીક્ષા લઈને ધર્મનો પ્રચાર તથા અનેક લોકોને નિવ્યસની બનાવીને સંપ્રદાયને આગળ વધાવી રહ્યા છે.

અમેરિકામાં મેડિકલ અભ્યાસ અને 50 હજાર ડોલરની સ્કોલરશીપ છોડીને યુવાનોએ સંત દીક્ષા લીધી

મુળ વસો અને અમેરિકામાં સ્થિત થયેલા નીલકુમાર ભરતભાઈ ધનશ્યામભાઈ ઠક્કરે મેડિકલમાં અભ્યાસ અને 50 હજાર ડોલરની સ્કોલરશીપ મેળવેલી હતી. નીલનો જન્મ અમેરીકા ઓહાયોમાં થયો હતો. ત્યાની સીટીજન શીપ પણ તેઓ ધરાવે છે. નીલ નાનપણથી જ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો હતો અને અમેરિકામાં આવતા સંતો સાથે સત્સંગ સભાનો પણ લાભ લેતો હતો. 4 વર્ષ પહેલા ગૃહ ત્યાગ કરીને સરધાર પૂ.નિત્યસ્વરુપ સ્વામીના સંપર્કમાં આવીને કથાવાર્તા સાંભળીને ખુબ જ પ્રભાવિત થઈ ગયા હતા અને ગુરુ નિત્યસ્વરુપ સ્વામીના આસરે આવ્યા હતા. સ્વામીનો રાજીપો અને પરિવારજનોની મંજુરી આપ્યા બાદ પાર્ષદ નીલભગતે સોમવારે આચાર્ય મહારાજનાં હસ્તે ભગવી ચૂંદડી ધારણ કરીને સંત બન્યા હતા. સંત દીક્ષા સમારંભમાં નીલભગતના પિતા ભરતભાઈ તથા માતા પ્રિતીબેન સહિત પરિવારજનો હાજર રહ્યો હતો. નવદિક્ષીત સંતે સભામંડપમાં અંગ્રેજી,સંસ્કૃત,હિન્દી,ગુજરાતી,મરાઠીમાં સત્સંગ પ્રવચન કરીને સહુને પ્રભાવીત પણ કર્યા હતા. આ સંપૂર્ણ વ્યવસ્થા પૂ. મુનિવલ્લભ સ્વામી તથા પૂ. શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી.

32 મહિલાઓએ સાંખ્યયોગી દીક્ષા ગ્રહણ કરી

ભગવાન શ્રી સ્વામિનારાયણે બાંધેલી મર્યાદા પ્રમાણે મહિલાઓને દીક્ષા આચાર્યશ્રીના ધર્મપત્ની આપે છે. આજે પ્રબોધીની એકાદશીએ 32 મહિલાઓને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. જેમાં ચાર ગ્રેજ્યુએટ, 2 માસ્ટર ડિગ્રી મહિલાઓનો સમાવેશ થાય છે.

વડતાલ મંદિરમાં 197 મો આજે પાટોત્સવ ઉજવાશે

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજેલા શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદી દેવોનો તા. 16 મીના રોજ મંગળવારે 197 મો પાટોત્સવ ઉજવાશે. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગોમાતીજી થી વાજતે ગાજતે જળયાત્રા નિજ મંદિરમાં પહુચી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભ સ્વામી સહિત સંપ્રદાયનાં અગ્રણીય સંતો તથા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. મંગળવારે સવારે 5.15 કલાકે આરતી, 5.30 થી 6.30 પાટોત્સવ વીધી, 6 થી 7 અભિષેક, 7.15 કલાકે અભિષેક આરતી અને 11 કલાકે અન્નકુટ આરતી થશે. મંદિરમાં દેવોનાં દર્શન સંપૂર્ણ દિવસ દરમિયાન ખુલ્લા રાખવામાં આવશે.

(6:07 pm IST)