Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરાના 211 ગામોની 364 કરોડની પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે

સાવલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્શન જાહેર કરશે

વડોદરા :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે તા. 16 ને મંગળવારે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને તેની સાથે સાવલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્શન જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરાએ 2021માં જ સાકાર કરી લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ આગામી તા.16 ને મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા શહેર ખાતે સંગઠન દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સહભાગી બનશે. એ પૂર્વે સાવલી તાલુકા સેવા સદન પાસે  ઉક્ત કાર્યક્રમ યોજાયો છે. જેમાં તેઓ વડોદરા જિલ્લાને સો ટકા નળજોડાણ યુક્ત જિલ્લો ઘોષિત કરશે. તેની સાથે પાણી પુરવઠાની યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

‘હર ઘલ નલ સે જલ’ ના યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે અને આ તમામ ઘરોને 8391.00 લાખ રૂ. ની યોજનાઓ મારફતે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોંચાડવામાં આવ્યુ છે.

વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કુવાના સ્ત્રોત આધારીત વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાના અંદાજીત રકમ  126.59 કરોડ રૂ.ના કામો કરાયા છે. જેમાં મહી નદીનું પાણી વડોદરા તાલુકાના અનગઢ ગામે તથા ધનોરા ગામે મુખ્ય હેડવર્કસ ખાતે કુલ 46 એમ.એલ.ડી ક્ષમતાના જળ શુધ્ધીકરણ પ્લાન્ટમાંથી પીવાનું શુધ્ધ પાણી જુદા જુદા 4 હેડવર્કસ સુધી લઈ જવા માટે આશરે ૧૫૧ કિલોમીટર પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામાં આવી છે. જેની કામગીરી પુર્ણ થયેલ છે. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને શુધ્ધ પીવાના પાણીનું લાભ મળનાર છે. જેનું લોકાર્પણ થશે.

(7:48 pm IST)