Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દિપક નાઇટ્રેટ કંપનીમાં હવે આઈટી દરોડાથી સનસનાટી

કંપનીના સ્ટાફ-અધિકારીઓમાં ફફડાટની લાગણી : આઈટીના દરોડાની કામગીરી વેળા વાંધાજનક દસ્તાવેજો, ઉત્પાદન, વેચાણની વિગતો, એક્સપોર્ટની માહિતી કબજે

અમદાવાદ, તા.૧૫ : વડોદરામાં કેમિકલનું ઉત્પાદન કરતી નંદેસરી સ્થિત જાણીતી દીપક નાઇટ્રેટ કંપનીની ઓફિસો, કંપનીના માલિકોના નિવાસ સ્થાનો, ગેસ્ટ હાઉસ સહિત ૮ સ્થળોએ આવકવેરા વિભાગે આજે દરોડા પાડ્યા હતા. પોલીસ કાફલા સાથે આજે સવારથી મુંબઇ અને સુરત આવકવેરા વિભાગની ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીની દેશવ્યાપી ઓફિસોમાં પણ આઇ.ટી. વિભાગે દરોડા પાડ્યા હોવાની વિગતો સાંપડી રહી છે. ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ કંપનીની ઓફિસો, કંપનીના માલિકોના નિવાસસ્થાનો સહિતના સ્થળોએથી વાંધાજનક દસ્તાવેજો, કાગળો અને પુરાવા જપ્ત કર્યા હતા. દીપક નાઇટ્રેટ પર આવકવેરા વિભાગના દરોડાને પગલે અન્ય એકમોમાં પણ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઇ અને સુરત આવકવેરા વિભાગ દ્વારા આજે વડોદરા નજીક આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમાં દરોડા પાડ્વામાં હતા. આવકવેરા વિભાગે કંપની, કંપનીની છાણી રોડ ઉપર આવેલી ઓફિસ ઉપરાંત કંપનીના માલિકોના નિવાસ સ્થાનો, ગેસ્ટ હાઉસો સહિત ૮ સ્થળોએ સામૂહિક દરોડાની કામગીરી હાથ ધરી હતી. આવકવેરા વિભાગે દરોડાની કામગીરી દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, ઉત્પાદન તેમજ વેચાણની વિગતો, એક્સપોર્ટ અંગેની માહિતી સહિત વિવિધ વિગતો મેળવી છે. દરોડાની કામગીરી દરમિયાન મોટા પાયે બિનહિસાબી કાળું નાણું બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આજે સવારે દીપક નાઇટ્રેટ કંપનીમાં આવકવેરાના દરોડા પડતા નંદેશરી ઔદ્યોગિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કંપનીના કર્મચારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી તો, વડોદરાના અન્ય એકમો અને કંપનીઓમાં પણ સ્વાભાવિક ડરની લાગણી પ્રસરી ગઇ હતી.

 

(8:49 pm IST)