Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સલૂનમાં ભારે તોડફોડ કરનાર મહિલાઓ વિરૂદ્ધ ગુનો દાખલ

ફુટેજના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી : સલૂનમાં કયા કારણોસર તોડફોડ કરવામાં આવી તે પ્રશ્ને પોલીસે તપાસ હાથ ધરી : રાયોટિંગનો ગુનો દાખલ કરાયો

અમદાવાદ, તા.૧૫ : ભરૂચના દહેજ બાયપાસ રોડ પર તા.૧૧મીના રોજ શ્રવણ ચોકડી નજીક આવેલ શિલ્પી સ્કવેરમાં આવેલ દિપ સલૂનમાં બપોરના સમયે અચાનક બે રિક્ષાઓમાં બેસી ૮ મહિલાઓ ધસી આવી હતી અને સલૂનમાં પ્રવેશી અંદરના ભાગે બેઝબોલ સ્ટીક અને લાકડીઓ વડે ભારે તોડફોડ કરી રીતસરનો આંતક મચાવ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઇ ફરિયાદ નહી થતાં આખરે પોલીસે જાતે ફરિયાદ દાખલ કરી સાત મહિલાઓ સામે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ મહિલાઓએ કયા કારણસર સલૂનમાં તોડફોડ કરી તે હજુ સ્પષ્ટ નહી થયું હોઇ પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા ચાલી છે.  દિપ સૂલનમાં તોડફોડની ઘટના અંગેની જાણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલા અંગે સલૂનમાં લાગેલા સીસીટીવી કેમેરાના મળેલ ફૂટેજના આધારે સલુનમાં તોડફોડ કરનાર મહિલાઓમાં ૮ પૈકી ૬ની ઓળખ જાતે સરકાર તરફે ફરીયાદી બની ૭ મહિલા સામે રાયોટીંગનો ગુનો તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાધેલાએ જણાવ્યું હતું કે, ગત તા.૧૧-૧૧-૨૦૧૮ના રોજ બપોરે ૧૨.૪૫ના સુમારે શિલ્પિ સ્ક્વેર શોપીંગ સેન્ટરમાં આવેલ દિપ્સ યુનીસેકસ સલુનમાં આશરે ૮ જેટલી મહીલાઓએ આવી તોડફોડ કરી આશરે એકાદ લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ બાબતે સલૂનના માલિકોએ કોઇક કારણોસર ફરિયાદ કરી ન હતી. સલુનમાં ટી.વી થી માંડી અન્ય વસ્તુઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતાં પોલીસે તોડ ફોડ

કરતી દેખાતી મહીલાઓ પૈકી ૭ જેટલી મહિલાઓની ઓળખ કરી જાતે ફરીયાદી બની ફૂટેજમાં દેખાતા માલણબેન નયનભાઇ કાયસ્થ, કોમલબેન વિનોદભાઇ વસાવા, માલણબેનની બેન સોનલ, પ્રિયાંકા ઉર્ફે જીગુ મકવાણા, વૈષ્ણવી રાકેશ વાઘેલા, એશ્મા ઇસ્માઇલ શેખ, રેશમાની બેન તથા ભુરા કલરનું ટોપ અને ગુલાબી લેગીંસ પહેરેલ મહિલા જેનું નામ ખબર પડી નથી તે તમામ રહેવાસી દાંડીયાબજાર,ભરૂચનાઓની સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:50 pm IST)