Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સિંગતેલ ડબ્‍બો રૂા. ૧,૮૦૦ની નજીક પહોંચ્‍યો

મગફળીની સરકારી ખરીદી શરૂ થતા ખુલ્લા બજારમાં આવકો ઘટતા તેજી

અમદાવાદ તા. ૧પ : સિંગતેલમાં દિવાળી બાદ પણ તેજીની ગાડી યથાવત છે અને ડબ્‍બાનો ભાવ રૂા. ૧૮૦૦ તરફ આગેકૂચ કરી રહ્યો છે. ગુજરાતમાં મગફળીની સરકારી ખરીદી આજથી ચાલુ થઇ રહી હોવાથી ખુલ્લા બજારમાં મગફળીની આવકો ઘટવાનો અંદાજ હોવાથી ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલ ૧પ કિલો નવા ડબ્‍બાનો ભાવ અમદાવાદ શહેરમાં બુધવારે રૂા. ર૦ થી ૩૦ વધીને આજે રૂા. ૧૭પ૦ થી ૧૭૬૦ નાં ભાવ જોવા મળ્‍યા હતાં. સિંગતેલનાં વેપારીઓનાં કહેવા પ્રમાણે એકાદ સપ્તાહમાં સિંગતેલનો ડબ્‍બો વધીને રૂા. ૧૮૦૦ ની સપાટીએ પહોંચે તેવી સંભાવનાં દેખાય રહી છે.

ગુજરાત સરકાર દ્વારા ગુરૂવારથી ૧રર કેન્‍દ્રો ઉપરથી મગફળીની ટેકાનાં ભાવ રૂા. ૧૦૦૦ થી ખરીદી શરૂ થઇ રહી છે, જેને પગલે ખુલ્લા બજારમાં આવકો ઓછી છે. સમગ્ર ગુજરાતમાં મગફળીની આવકો હાલ ૧.ર૦ લાખ ગુણી જેવી થાય છે, જે દિવાળી પહેલા એક તબકકે વધીને બે લાખ ગુણી ઉપર પહોંચી હતી. ખુલ્લા બજારમાં મગફળીનાં ભાવ રૂા. ૭પ૦ થી ૯૦૦ જેવા ચાલતા હોવાથી ખેડૂતો સરકારને વેચાણ કરવા માટે હાલ યાર્ડમાં આવકો લઇને આવતા નથી. પરિણામે સિંગતેલની મિલો પૂરતી માત્રામાં મગફળી મળતી નથી, પરિણામે ભાવ ઊંચકાય ગયાં છે.

વેપારીઓ કહે છે કે સિંગતેલનાં પેકેટર્સોએ છેલ્લા બે દિવસમાંથી સિંગતેલ લૂઝની રૂા. ૯૭પ પ્રતિ ૧૦ કિલોનાં ભાવથી ખરીદી કરી  છે, જે વધીને રૂા. ૧૦૦૦ થઇ શકે છે. પરિણામે રિટેલ ડબ્‍બાનો ભાવ પણ આગામી દિવસોમાં ઊંચકાશે.

(12:19 pm IST)