Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગુજરાત એટીએસ ટીમનો સપાટો : પંજાબથી આવેલા એક કરોડના ચરસ કેસમાં મુખ્ય સૂત્રધાર ઇમરાનની ધરપકડ

પોલીસ તપાસમાં ઇમરાનના ભાગીદાર એવા મુંબઈના નિતીન ચીકનેનું નામ ખુલ્યું

અમદાવાદ: ગુજરાત એટીએસની ટિમે પંજાબથી આવેલા એક કરોડના ચરસ કેસના મુખ્ય સૂત્રધાર ઇમરાનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઇમરાનના ભાગીદાર એવા મુંબઈના નિતીન ચીકનેનું નામ ખુલ્યું છે.

 

ગુજરાત એટીએસના પીઆઈ ચેતન જાદવ અને વાય.એમ.ગોહિલે નારોલ સર્કલ પાસેથી પંજાબથી એક કરોડનો ચરસનો જથ્થો મંગાવનાર ઈમરાન ઉર્ફ ઈમો સલીમભાઈ મલેક (ઉં,34) રહે, રહીમનગર વટવાને ઝડપી લીધો હતો.પોલીસ તપાસમાં ઇમરાન અગાઉ 2011ની સાલમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ચરસના ગુનામાં ઝડપાયો હતો. 2014માં આર્થર રોડ જેલમાંથી છૂટ્યા બાદ ચરસનો ધંધો મુંબઈમાં શરૂ કર્યો હતો. ઇમરાનનો ભાગીદાર નિતીન શિવાજી ચીકને હોવાનું ખુલ્યું છે. બન્નેએ મુંબઈમાં વેચાણ કરવા ચરસનો જથ્થો મંગાવ્યો હતો. એટીએસની ટીમે અત્યાર સુધીમાં 1 કરોડના ચર્સ પ્રકરણમાં ત્રણ આરોપી ઝડપયા છે.

 

ત્રણ દિવસ અગાઉ ગુજરાત એટીએસના પીઆઈ ચેતન જાદવને બાતમી મળી હતી કે, મુંબઈ પાસિંગની વેગન આર કારમાં બે શખ્સ પંજાબના લુધિયાણાથી ચરસનો જથ્થો લઈ પાલનપુર ટોલ પ્લાઝા પાસે મલાણા ગામ નજીક મહાકાલ હોટલ પર આવવાના છે.

બાતમી મુજબ પોલીસે વોચ ગોઠવી કાર આવતા તપાસ કરી હતી. કારમાં પાછળની સીટ પર સફરજનની પેટીઓ પાસેથી પડેલા પ્લાસ્ટીકના સફેદ થેલામાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. જે પદાર્થની તપાસ કરતા ચરસ હોવાનું જણાયું હતું. પોલીસે જથ્થાનું વજન કરતા 16.753 કિલોગ્રામ ચરસનો જથ્થો જેની કિંમત રૂ.1,00,51,800ની થાય છે.

પોલીસે ચરસનો જથ્થો જમા લઈ ફહિમ અઝીમ બેગ (ઉં,31)રહે, માહિમ લુહાર ચાલ, માહીમ વેસ્ટ મુંબઈ અને સમીર એહમદ શેખ (ઉં,27) રહે ઔરંગાબાદ, મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બન્ને શખ્સે જણાવ્યું હતું કે, મુંબઈ માહિમ અને અમદાવાદ વટવામાં મકાન ધરાવતા ઇમરાને બન્નેને લુધિયાણાથી જડીબુટ્ટી લાવવાનું કહીને મોકલ્યા હતા.

લુધિયાણાની સબ્જીમંડીમાં જમ્મુ કાશ્મીરની ટ્રક આવી હતી. ટ્રક ચાલકે બન્નેને પડીકું આપ્યું તે લઈને તેઓ પરત ફરી રહ્યા હતા. ઇમરાનને આ જથ્થો આપે તે પહેલાં એટીએસની ટિમે બન્નેને ઝડપી લીધા છે. જે બન્ને આરોપીની પૂછપરછમાં ઈમરાનનું નામ ખુલ્યું હતું. જેના પગલે એટીએસની ટિમે નારોલમાંથી બાતમી આધારે ઇમરાનને ઝડપ્યો હતો.

(11:35 pm IST)