Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આ...લે...લે, હવે તસ્કરો પણ વી.આઇ.પી. બની રહયા છે !!

લઘર વઘર કપડાં-ભાંગેલ તૂટેલ સ્કુટર કે સાયકલના દિ' જુના થયા : ગુજરાતમાં વિમાનમાં ઝારખંડથી ચોરીઓ કરવાની ત્રીજી ઘટનાઃ સાઇબર ક્રાઇમ માફીયાના સ્વર્ગસમા ઝારખંડના ભેજાબાજો માસુમ બાળકોનો ઉપયોગ કરી રહયાની વિગતો જાણી એડીશ્નલ પોલીસ કમિશ્નર (અમદાવાદ સેકટર-ર) ગૌતમ પરમારે ઝારખંડ લીંક મેળવવા તજવીજ હાથ ધરી : ઝારખંડની ટોળકીઓ આ અગાઉ સુરતમાં તત્કાલીન એડીશ્નલ સીપી એચ.આર.મુલીયાણા-ડીસીપી રાહુલ પટેલ-એસીપી આર.આર.સરવૈયા ટીમ તથા અમદાવાદમાં જ હાલના પોલીસ વડા આશિષ ભાટિયા તથા અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં ઝડપાયેલી

ગૌતમ પરમાર એડી. પોલીસ કમીશ્નર- અમદાવાદ

રાજકોટ, તા., ૧૫: તસ્કરો હવે લુખ્ખા મેલા ઘેલા કપડા કે ભંગાર જેવા સ્કુટર કે સાયકલો પર ચોરી કરવા આવતા એ દિવસો જાણે જુના બન્યા હોય તેમ હવે ગુજરાતમાં અન્ય રાજયોમાંથી તસ્કરી કરવા માટે આવતા ચોરો પણ વીવીઆઇપી બની રહયા હોય તેમ વિમાનમાં ચોરી કરવા માટે આવી રહયાની ગુજરાતમાં ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે.

અમદાવાદના વટવા વિસ્તારનાં શાક માર્કેટ સહીતના ભીડવાળા વિસ્તારોમાં માસુમ બાળકોના ઉપયોગ દ્વારા કિંમતી મોબાઇલોની ચોરી થતી હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી.

સેકટર-રના વડા એડીશ્નલ ડીજીપી ગૌતમ પરમારે આ બાબતને ખુબ જ ગંભીર ગણી આવા વિસ્તારોમાં સર્વેલન્સ વધારતા જ બે બાળકો સહીત ૪ શખ્સો કે જે ઝારખંડમાંથી તસ્કરી કરવા આવતા હતા તે ઝડપાઇ ગયા હતા.

નવાઇની વાત એ છે કે આ તસ્કરો વિમાનમાં બેસી ચોરી કરવા આવતા હતા. ઝારખંડમાં સાઇબર ક્રાઇમ ટોળીઓ દેશભરમાં ગુન્હાઓ કરવા માટે જાણીતા હોવાથી ઉકત દિશામાં ગૌતમ પરમારે તપાસ શરૂ કરાવી છે.

અત્રે એ યાદ રહે કે આ અગાઉ અમદાવાદમાં જ પ્લેનમાં બેસી તસ્કરી કરી રાતોરાત નાસી જતી ટોળકીને અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા તથા હાલના સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવી હતી.

આજ રીતે સુરતમાં પણ એટીએમને નિશાન બનાવતી અને હિન્દી ફિલ્મોની કાલ્પનીક કથાને ટક્કર મારે તે રીતે સિક્કાથી ગમે ત્યારે ટ્રેનને થંભાવી દેનાર ખુંખાર ટોળકી પણ મધ્યપ્રદેશ વિગેરેથી પ્લેનમાં આવતી હતી. જેને સુરત ક્રાઇમ બ્રાંચના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણા, ડીજીપી રાહુલ પટેલ તથા એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચની  ટીમે ઝડપી લીધા હતા. આમ ગુજરાતમાં પરપ્રાંતીયોની વિમાન મુસાફરીનું રહસ્ય શોધવા માટે ડીજીપી આશિષ ભાટીયા પણ કાર્યરત થવા સાથે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ પણ સક્રિય બન્યા છે.

(5:14 pm IST)