Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પરીક્ષા રદ થતાં ૧૦.૪૫ લાખ બેરોજગારોએ ૧૧ કરોડ ખોયા

ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓની કફોડી હાલત : રાજ્યના ૧૦.૪૫ લાખ વિદ્યાર્થીઓની પાસેથી ઉમેદવાર દીઠ ૧૧૨ ઉઘરાવ્યા હતા : ઉમેદવારમાં જોરદાર આક્રોશ

અમદાવાદ, તા.૧૫ : ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે તા.૨૦મી ઓક્ટોબર લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરવાનો નિર્ણયને લઇ હાલ બહુ મોટો વિવાદ સર્જાયો છે અને ખુદ રાજય સરકાર કઠેડામાં આવી ગઇ છે. સમગ્ર રાજ્યમાંથી ૧૦.૭૫ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જો કે, છેલ્લી ઘડીયે ૧૦ લાખ ૪૫ હજાર ઉમેદવારોને પરીક્ષા રદ અંગેની માહિતી વેબસાઈટ પર મુકાઈ હતી. આ પરીક્ષાર્થી ઉમેદવારોએ ફોર્મ માટે ઉમેદવાર દીઠ રૂ. ૧૦૦ વત્તા ૧૨ પોસ્ટલ ચાર્જીસ સહિત કુલ ૧૧૨ રૂપિયા ફી ઓનલાઈન ભરી હતી. પરીક્ષા રદ થતા ૧૦.૪૫ લાખ વિદ્યાર્થીઓને ૧૦,૭૦,૪૦૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે. પરીક્ષા રદ થવાને લઇ લાખો ઉમેદવારોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સરકારે હજુ સુધી નવી પરીક્ષાની તારીખ કે ઉમેદવારોને ફીમાં રાહત અંગે પણ કોઇ સ્પષ્ટતા કરી નથી જે પણ બહુ ગંભીર બાબત છે.

          ખાસ કરીને ધોરણ-૧૨ પાસની લાયકાત રદ કરી તેના બદલે સ્નાતકની જ લાયકાત માન્ય રાખવાનો નવો નિર્ણય કરાયો છે, તેના કારણે આ પરીક્ષા માટે ધોરણ-૧૨ પાસના લાખો ઉમેદવારોએ કરેલી ભારે તૈયારી અને મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ધોરણ-૧૨ પાસ ઉમેદવારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી તેમની હાલત તો સૌથી વધુ કફોડી બની છે. સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થવાની સાથે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષામાંથી બાકાત રાખવાનું સરકારે અચાનક નિર્ણય કરતા છેલ્લા દોઢ વર્ષથી આ પરીક્ષાનું ફોર્મ ભરીને તેની તૈયારી કરી રહેલા ધોરણ-૧૨ પાસ ઉમેદવારોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.

             ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી નોકરી મેળવવા માટે સતત ૧૦થી ૧૨ કલાક મહેનત કરી હતી. જ્યારે અનેક વિદ્યાર્થીઓએ મોટી ફી ભરીને ખાનગી ટ્યુશનોમાં પણ તૈયારી કરી હતી. આવા લાખો વિદ્યાર્થીઓ સરકારના નિર્ણયથી હતાશ થઈ ગયા છે. સૌથી પહેલા પરીક્ષા આપતા ઉમેદવારાએ ઓજસ વેબસાઈટ પર પોતાની અરજી સબમીટ કરીને તેની નકલ મેળવીને પોસ્ટ ઓફિસમાં જઈને પરીક્ષા ફી પેટે ઉમેદવાર દીઠ રૂપિયા ૧૦૦ રોકડા અને રૂ. ૧૨ પોસ્ટલ ચાર્જીસ સાથે કુલ ૧૧૨ રૂપિયા ભર્યા હતા. આમ સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૦.૪૫ લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવાર દીઠ ૧૧૨ રૂપિયા ભર્યા હતા. આ અગાઉ પણ બે વાર અલગ અલગ કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હતી. રાજ્યમાંથી ૧૦.૭૫ લાખ ઉમેદવારોમાંથી સૌથી વધુ ૧.૫૦ લાખ ઉમેદવારો અમદાવાદમાંથી પરીક્ષા આપવાના હતા. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી એક લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

બીજા દિવસે ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યુ........

અમદાવાદ, તા. ૧૫ : આજે પણ સતત બીજા દિવસે સેંકડો ઉમેદવારો ગાંધીનગર સ્થિત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારોના પ્રતિનિધિમંડળ તરફથી આજે સ્થાનિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા ઉમેદવારોએ તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા અને ધોરણ-૧૨ પાસની અગાઉની લાયકાત માન્ય રાખવા પણ ઉગ્ર માંગણી કરી હતી. આજે પણ રોષે ભરાયેલા ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે દેખાવો-સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજયા હતા. અમદાવાદ, ગાંધીનગર સિવાય, ભરૂચ, સુરત સહિતના રાજયના વિવિધ જિલ્લા-તાલુકા કક્ષાએ પણ ઉમેદવારોએ દેખાવો યોજી આવેદનપત્ર સંબંધિત સત્તાધીશોને સુપ્રત કર્યા હતા.

(9:35 pm IST)