Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઊંઝામાં વિસનગર રોડ પરથી પોલીસે બાતમીના આધારે ટ્રક માંથી જીરું-વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો

ઊંઝા: શહેરમાં વિસનગર રોડ ઉપર પાણીની ટાંકી પાસે રાજસ્થાન પાસીંગની એક ટ્રકમાં જીરૃ-વરિયાળીનો શંકાસ્પદ માલ તથા બિલ પણ શંકાસ્પદ છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પીએસઆઈ સહિતની પોલીસ ટીમે તાત્કાલિક બાતમી સ્થળે પહોંચી ટ્રકની તલાશી લેતાં ટ્રક ડ્રાઈવર તરફથી કોઈ સાચી હકીકત જણાવી ન હતી.  તેમજ તમામ વિગતો શંકાસ્પદ જણાતા પોલીસે માલ ભરેલી ટ્રકનો કબજો લઈ ઊંઝા પોલીસ સ્ટેશને ટ્રક લાવી દીધી હતી. જેમાં કુલ રૃ.25,81,680ની કિંમતની 24675 કિલોગ્રામ વજનની ૫૫૨ બોરીઓ તેમજ 10 લાખની ટ્રક સહિત કુલ રૃ.3581680 કિંમતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ શરૃ કરી છે. ટ્રકમાં ભરેલો શંકાસ્પદ માલની તપાસ માટે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતાં આજે સવારથી ફૂડ વિભાગની ચાર ઈન્સ્પેક્ટરો સાથેની ટીમ ઊંઝા પોલીસ સ્ટેશને આવી ગઈ હતી. સાંજ સુધી સેમ્પલીંગની કાર્યવાહી શરૃ થઈ હતી. ટ્રકમાં રહેલો શંકાસ્પદ માલ ભેળસેળવાળો છે કે કેમ? માલ ક્યાં જતો હતો? કોને લોડ કરાવ્યો હતો? સહિત અનેક પ્રશ્નો વણઉકેલભર્યા હોવાથી અનેક વિતર્ક ચર્ચાસ્પદ બનેલ છે. સમગ્ર બનાવ આજે ઊંઝા માર્કેટયાર્ડમાં છવાયેલો રહ્યો હતો. પોલીસ અને ફૂડ વિભાગની આગળની કાર્યવાહી ઉપર મીટ મંડાઈ છે.

(5:55 pm IST)