Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બનાસકાંઠાના દાંતા તાલુકામાં 17 વર્ષીય સગીરાને પૈસાની સોદાબાજી માટે અમદાવાદના શખ્સ સાથે પરણાવી દેવામાં આવી: અમદાવાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા: જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ ખેરમાળ ગામે એક સત્તર વર્ષની સગીરાના અમદાવાદના શખસ સાથે લગ્ન કરાવવા માટે પૈસાની સોદાબાજી કરાઈ હતી. જેમાં લગ્ન કરનાર યુવકે સગીરા સાથે લગ્ન કરવા માટે તેના પરિવારને રૃ.50 હજાર આપ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં બે માસ અગાઉ થયેલ આ બાળ વિવાહના સોદાબાજીના ફોટા અને વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. અને બનાવ અંગે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ કર્યા હતા. જેને લઈ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મનોજ જોષીએ બાળ સુરક્ષા એકમના અધિકારીએ હદાડ પોલીસ ટીમ સાથે રાત્રીના સમયે ખેરમાળ ગામે સગીરાના પરિવારની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સગીરાના બાળલગ્નને લગતા દસ્તાવેજ એકત્ર કરવામાં આવ્યા હતા અને બનાવ કોની સંડોવણી છે તે અંગેની તપાસ કરવા માટે પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સગીરા લગ્ન બાદ અમદાવાદ હોઈ અમદાવાદ જિલ્લા બાળસુરક્ષા અધિકારીને સગીરાનો કબજો મેળવવા માટે જાણ કરવામાં આવી છે. જોકે આ ચકચારી બાળવિવાહ પ્રકરણમાં કિશોરી બાળવયની હોવાછતાં પૈસા માટે તેના પુખ્તવયના યુવાન સાથે લગ્ન કરાવવા અને બાળલગ્ન બાબતે કરાર, શરતો અને બાંહેધરી દર્શાવતો વિડીયો બહાર આવતા મામલો ગરમાયો છે.

(5:54 pm IST)