Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગાંધીનગર-કોબા હાઇવે પર ગોઝારો અકસ્માત: એકનું ઘટનાસ્થળેજ મોત:એકની હાલત ગંભીર

ગાંધીનગર:શહેર નજીક કોબા હાઈવે ઉપર અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહયો છે તેમાં પણ હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે. ગઈકાલે રાત્રે લગ્નની તારીખ નક્કી કરવાની હોવાથી ગાંધીનગરની યુવતિ તેના મંગેતર સાથે અમદાવાદથી મોપેડ ઉપર ખરીદી કરીને પરત ફરી રહી હતી ત્યારે માતેલા સાંઢની જેમ દોડતાં  અજાણ્યા વાહને રાયસણ પાસે તેમના મોપેડને અડફેટે લીધું હતું અને બન્ને ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં યુવતિનું મોત નીપજયું હતું. જ્યારે તેના મંગેતરને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસે ફરાર અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.    

સરકાર એક બાજુ હેલમેટ અને સીટ બેલ્ટ નહીં પહેરનાર વાહનચાલકોને દંડી રહી છે પરંતુ માર્ગો ઉપર રોકેટ ગતિએ વાહનો હંકારતાં ચાલકો સામે પગલાં ભરવામાં આવતા નથી જેના કારણે અકસ્માતમાં દિનપ્રતિદિન મૃત્યુઆંક વધી રહયો છે. ગઈકાલે સાંજે શહેર નજીક ભાઈજીપુરા ચાર રસ્તા પાસે બસ નીચે મોપેડ આવી જતાં બોપલની પપ વર્ષીય મહિલાનું મોત નીપજયું હતું. ત્યારે માર્ગ ઉપર રાયસણ પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં ગાંધીનગરના સે-૩ની યુવતિ મોતને ભેટી હતી.

(6:52 pm IST)