Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારા રાસ-ગરબાની રમઝટઃ દુધ-પૌવાની પ્રસાદીનું વિતરણઃ કપૂર આરતી

બનાસકાંઠા :ગઈકાલે શરદ પૂર્ણિમા હતી, જેને પગલે પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌંઆ પૂનમ મનાવવામાં આવી હતી. નવરાત્રિ બાદ ફરી એકવાર અંબાજી મંદિરનું ચાચરચોક શરદ પૂર્ણિમાએ સોળે કલાએ ખીલેલી રાત્રિએ ખેલૈઆઓનાં તાલે હિલોળે ચઢ્યું હતું. હજ્જારોની સંખ્યામાં ખેલૈઆઓએ શરદ પૂનમની રાતના ગરબાની મોજ માણી હતી. જ્યારે રાત્રિના 12.00ના ટકોરે મંદિરમાં માતાજીનાં નિજ મંદિરનાં દરવાજા ખોલી માતાને દુધ પૌંઆનો ભોગ ચઢાવાયો હતો. તેમજ રાત્રે કપૂર આરતી કરવામાં આવી હતી.

શિતળ ચાંદનીમાં તૈયાર થયેલાં 800 કિલો જેટલાં દુધ પૌંઆનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસાદ લેવા અને અડધી રાત્રે માતાના દર્શન કરવા માટે અંબાજી પરિસરમાં લાંબી લાઇનો જોવા મળી હતી. આ શરદ પૂર્ણિમાને કાજુરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને શિતળ ચાંદનીમાં તૈયાર થયેલાં પૌંઆને ઔષધ તરીકે પણ માનવામાં આવે છે. આ દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે તેવું અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ કૌશિક ઠાકરે જણાવ્યું હતું.

ગઈકાલથી ઠંડીની શરૂઆત

શરદપૂર્ણિમાએ લોકોને ખાસ શીતળતાનો અનુભવ થતો હોય છે. આ દિવસથી ચોમાસુ સંપૂર્ણ પણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થતી હોવાની માન્યતા પ્રવર્તે છે. આમ તો ચાલુ વર્ષની શરદપૂનમને છેલ્લી પૂનમ માનવામાં આવે છે, જેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે ગઈકાલે વહેલી સવારથી જ મા અંબાના નિજ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ સાથે માં અંબાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા.

(5:44 pm IST)