Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ભણતરનો ભાર ઓછો કરવા દફતરનું વજન ઘટાડવાનો દેખાડો, ફરી તપાસના આદેશ

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ પ્રમાણે વજન નક્કી કરવામાં આવ્યું છે

અમદાવાદ તા. ૧૪ :.. રાજયની ખાનગી શાળાઓ રૂપિયા કમાવા માટે પ્રકાશન સાથે સાઠગાંઠ કરતા  હોય છે. પરિણામે વિદ્યાર્થીના વજન કરતાં તેની બેગમાં વધારે વજન જોવા મળતું હતું. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ પ્રમાણે વજન નકકી કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક નિરીક્ષકો દ્વારા આ બાબતે ઠંડું પાણી રેડી દેવામાં આવ્યું હતું. શિક્ષણ નિયામક દ્વારા ફરીથી તપાસ કરવા રાજયના તમામ શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા ર૬ નવેમ્બર, ર૦૧૮ ના ભણતરનો ભાર ઓછો કરવા અને વિદ્યાર્થીઓની બેગનું વજન ઘટાડવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અલગ-અલગ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની બેગનું વજન નકકી કરવામાં આવ્યું હતું. શિક્ષણના નિરીક્ષકોને તમામ શાળાઓમાં જઇ એની તપાસ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક શિક્ષણ નિરીક્ષકો દ્વારા આદેશનો અનાદર કરવામાં આવતો હોય તેવું જોવા મળે છે.

જેમાં નકકી કરેલા ફોર્મેટમાં માહિતી પહોંચાડવામાં આવી નથી. પરિણામે શિક્ષણ નિયામક દ્વારા રાજયના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યું છે કે ભણતરનો ભાર ઓછો કરવા માટે ઠરાવ કરવામાં આવે છે. શાળામાં ઇન્સ્પેકશન દરમિયાન જરૂરી સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે કે નહીં એનું મોનિટરીંગ કરવાનું રહેશે.

(11:40 am IST)