Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મહેસાણાના બેચરાજી પંથકના ગાભુ ગામમાં કુવો ખોદતા ભગવાન બુદ્ધની પ્રાચિન અને દુર્લભ આરસની મુર્તિઓ મળતા ગામમાં કુતુહલ સર્જાયુ

સરપંચને જાણ કરતા પોલીસની હાજરીમાં જેસીબીની મદદથી મુર્તિઓને બહાર કઢાઇ

મહેસાણાઃ મહેસાણના બેચરાજી પંથકના ગાભુ ગામમાં આવેલા ઠાકોરવાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘરે કુવાનું ખોદકામ કરતા 10 ફુટ ઉંડે ભગવાન બુદ્ધની અપ્રતિમ આરસની મુર્તિઓ મળી આવી હતી. ગામના સરપંચને જાણ કરતા પોલીસની હાજરીમાં જેસીબીની મદદથી મુર્તિઓ બહાર કાઢવામાં આવી હતી.

મહેસાણના બેચરાજી તાલુકામાં એક કૂવાના ખોદકામ દરમિયાન પ્રાચીન અને દુર્ભલ મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ ભગવાન બુદ્ધની છે. ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી આવતા જ ગામ લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું, અને મૂર્તિઓને જોવા ટોળા ઉમટ્યા હતા.

બેચરાજીના ગાભુ ગામમાં આવેલા ઠાકોર વાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર પાસે કૂવો ખોદવાની કામગીરી કરવામા આવી હતી. કૂવા માટે 10 ફૂટ સુધી નીચે ખોદાણ કરવામા આવ્યુ હતુ. ત્યાં અચાનક ખોદકામ કરતા લોકોના ઓજારો પર પથ્થર જેવુ કંઈક ટકરાયુ હતું. જેથી તેઓએ વધુ ખોદકામ કરીને પત્થર બહાર કાઢ્યા હતા. તેમણે પત્થરને બહાર કાઢીને ધ્યાનથી જોયુ તો તે ભગવાની મૂર્તિઓ લાગી હતી. તેઓએ મૂર્તિઓને બરાબર સાફ કરી ત્યારે ખબર પડી કે આ ભગવાન બુદ્ધની મૂર્તિઓ હતી.

કૂવાના ખોદકામ દરમિયાન સફેદ અને કાળા કલરની ભગવાન બુદ્ધની આરસની મૂર્તિઓ મળી આવી હતી. આ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. તેઓ પણ પોલીસ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેથી પોલીસની હાજરીમાં જેસીબીની મદદથી મૂર્તિઓ બહાર કાઢવામા આવી હતી. જેમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ ખંડિત હોવાનું દેખાયુ હતું.

જોકે, આ મૂર્તિઓ પ્રાચીન મૂર્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ભગવાન બુદ્ધની મૂર્તિઓ સાથે અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી છે. ત્યારે હવે આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગમાં સોંપવામાં આવે તો આ મૂર્તિઓ કેટલી જૂની છે તેની યોગ્ય માહિતી મળી શકશે. 

(5:35 pm IST)