Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સુરતના લીંબાયત વિસ્તારમાં કોર્પોરેટરની માતાને ભોળવી ગઠિયો 2 લાખની સોનાની માળા ફેરવી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના લીંબાયત નવાનગરમાં રહેતા ભાજપના માજી મહિલા કોર્પોરેટરના વયોવૃદ્ધ માતા મકાનના ઓટલા પર બેઠા હતા ત્યારે બાઈક પર આવેલો ગઠીયો તેમને બાધા ઉતારવાની છે કહી રૂ.2 હજારનું બંડલ બતાવી નજીકના મંદિરમાં લઈ જઈ થાળીમાં નોટોનું બંડલ અને રૂ.2 લાખની મત્તાની સોનાની માળા મુકાવી તેમને પ્રાર્થના કરવા કહી સોનાની માળા સેરવી ફરાર થઈ ગયો હતો. માજી કોર્પોરેટરને તેમની માતાએ જાણ કરતા તે તપાસ કરતા હતા ત્યારે જ અન્ય એક મહિલા તેમની ઓફિસે આવી હતી અને તેની સાથે પણ ગઠીયાએ તે રીતે જ ઠગાઈ કરી હોવાનું જણાવતા લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત નવાનગર ઘર નં.94 માં રહેતા ભાજપના માજી કોર્પોરેટર સુમનબેન સુખદેવભાઇ પાટીલ ( ઉ.વ.60 ) ગત બપોરે ઘરની સામે પોતાની ઓફિસમાં બેઠા હતા.જયારે તેમના વયોવૃદ્ધ માતા શકુબેન ઘરના ઓટલા પર બેઠા હતા.દરમિયાન, 12.30 ના અરસામાં નંબર વિનાની બાઈક પર એક અજાણ્યો શકુબેન પાસે આવ્યો હતો અને ચલો માસી મેરે સાથ મંદિર ચલો, મંદિર મેં બાધા ઉતારના હે કહેતા શકુબેને ના પાડી હતી.આથી તે વ્યક્તિ શકુબેનને પગે લાગ્યો હતો અને રૂ.2 હજારનું બંડલ કાઢી કહ્યું હતું કે મંદિરમેં બાધા ચઢાના હે.આથી શકુબેન તૈયાર થયા હતા અને તેની પાછળ પાછળ ઘરની બાજુની ગલીમાં અંબાજી માતાના મંદિરમાં ગયા હતા.જોકે, મંદિર બંધ હોય શકુબેને ત્યાં પૂજા કરતી અને સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા પાસે ચાવી માંગીને મંદિર જાતે ખોલ્યું હતું.

(5:18 pm IST)