Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં એકજ કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

નડિયાદ: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આજે સવારે ૧૦ વાગ્યે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં એક કલાકના ગાળામાં જ અડધા ઇંચ જેટલો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મહિસાગર જિલ્લાના વીરપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો હતો.ગળતેશ્વરમાં અને આંકલાવમાં પણ વરસાદી છાંટા પડયા હતા.

ખેડા-આણંદ જિલ્લામાં બુધવારે સવારથી જ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. કેટલાક તાલુકામાં સવારથી જ વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા. જેમાં ઠાસરામાં સવારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેમાં ગોડજ ગામે એક બેસણામાં પ્રસંગમાં મંડપ પણ તૂટી પડયો હતો. જોકે આ બનાવમાં કોઇને ઇજા થવા પામી નહોતી. ખેડા જિલ્લામાં બુધવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હતી જોકે સાંજના ૬ વાગ્યા સુધી ઠાસરા સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ પડયો નહતો. તા.૧૫ અને ૧૬ સપ્ટેમ્બરના રોડ હળવા વરસાદી છાંટા પડવાની આગાહી કરાઇ છે. આણંદ જિલ્લામાં તા.૧૮ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદી છાંટા પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 

ચરોતર પંથકમાં આ વર્ષે સારો એવો વરસાદ પડયો છે. જેને લઇને ખેડૂતોમાં વાવેતરને લઇને ઉમંગ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારમાં હાલમાં તમાકુનું વાવેતર ચાલી રહ્યું છે. આ વર્ષે ઉત્પાદન વધુ થશે તેવી અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં પુર કે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ નથી જે મોટી રાહતની બાબત છે. આગામી દિવસોમાં પણ આવી સ્થિતિ નહીં જોવા મળે તેવું અનુમાન છે. 

(5:18 pm IST)