Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગુજરાતમાં ૨ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

રાજકોટ,તા.૧૫ : હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં બે દિવસ મેઘરાજા તૂટી પડશે. નોંધનીય છે કે, આજ રોજ મોડી રાત્રે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ સવાર-સવારમાં વાહનચાલકોઍ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસશે.
 નોંધનીય છે કે, આજ બપોર સુધીમાં રાજ્યમાં કુલ ૧૨૦ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં આજે સૌથી વધુ ભુજ અને બારડોલીમાં સવા ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઍ સિવાય વેરાવળ અને વાસંદામાં ૩-૩ ઈંચ વરસાદ, વાપીમાં પોણા ૩ ઈંચ વરસાદ, કોડીનાર, પલસાણામાં અને ધરમપુરમાં સવા ૨ ઈંચ વરસાદ, ઉપલેટા, લિલિયા અને નાંદોદમાં સવા ૨ ઈંચ, વઘઈ અને ખેરગામમાં ૨-૨ ઈંચ વરસાદ અને માંડવી તેમજ પારડીમાં પોણા ૨ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
 દ્વારકાના ભાટીયામાં ધોધમાર વરસાદ વરસતા ભાટીયા ભોગાત રોડ પર પાણી ફરી વળ્યાં. જેના લીધે અવરજવરમાં વાહનચાલકોઍ પરેશાન થવાનો વારો આવ્યો. રસ્તામાં ધસમસતા પાણીના પૂર ફરી વળ્યાં છે. ભાટિયામાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
બીજી બાજુ ઉપલેટાના મોટી પાનેલીનો ફૂલજર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપલેટાના પાનેલીમાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધી છે. આથી ગામવાસીઓઍ નવાનીરના વધામણાં કર્યા.

(5:10 pm IST)