Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આંદોલનોથી ગાજતુ ગાંધીનગર : સચિવાલયમાં પ્રવેશમાં કડક નિયંત્રણ

આરોગ્‍ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, માજી સૈનિકો, કિસાન સંઘ વગેરે પોતાની માંગણીઓ પૂરી કરાવવા મેદાને : સરકારે સુરક્ષા વ્‍યવસ્‍થા વધારી


(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૫ : રાજ્‍યમાં આવનાર ડિસેમ્‍બર માસમાં યોજાનારી વિધાનસભાની ૧૮૨ બેઠકોની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્‍યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સમયે સરકાર સામે સરકારના ભાગ ગણાતા આરોગ્‍ય કર્મચારી, આંગણવાડી વર્કરો, ભારતીય કિશાન સંઘ તેમજ અન્‍ય સંગઠનો પોતાના પ્રશ્નોને લઇ આંદોલન અને સત્‍યાગ્રહની દિશામાં સરકાર સામે બાયો ચઢાવી મેદાને ઉતર્યા છે. તેના પગલા સચિવાલય પ્રવેશદ્વારો પર બંદોબસ્‍ત વધારાયો છે.
તાજેતરમાં માજી સૈનિકો પણ પોતાની માંગણીઓને લઇ છેલ્લા ચાર દિવસથી આંદોલન કરી રહ્યા છે. આમા ત્રણ દિવસ અગાઉ એક માજી સૈનિક આ આંદોલન દરમિયાન મૃત્‍યુ પામતા આ આંદોલન તેજ બન્‍યું છે. આજ પરિણામે સરકાર દ્વારા સચિવાલયના દ્વારો બંધ કરવામાં આવ્‍યા છે અને પોલીસ બંદોબસ્‍ત સતત ચાલુ રાખવામાં આવ્‍યો છે.
ગાંધીનગર જાણે એક સમરાંગણ હોય તેવું આજકાલ લાગી રહ્યું છે. કિશાનોએ છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગરમાં ધામા નાંખ્‍યા છે તેવું જ જોવા જોઇએ તો પૂર્વ સૈનિકોનું આંદોલન પણ દિવસેને દિવસે ઉગ્ર બનતું જાય છે.
બીજી તરફ મેડીકલ સ્‍ટાફ તેમજ સરકારના અન્‍ય કર્મચારીઓના સંગઠન સાતમા પગાર પંચની માંગણીઓ તેમજ જુની પેન્‍શન યોજના પુનઃ ચાલુ કરવાની દિશામાં માંગ તીવ્ર કરતા જાય છે. આમ સરકારી સંગઠનોએ પોતાના પ્રશ્નોને લઇ આંદોલન તીવ્ર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
આંદોલનકારીઓ સચિવાલયમાં પ્રવેશ ન કરે તે માટે સરકારે સચિવાલય અને વિધાનસભાની કિલ્લેબંધી કરવામાં આવી છે. સામાન્‍ય નાગરિકોને જ્‍યાં ગેટ નં. ૧થી પ્રવેશ અપાય છે તે ગેટમાં પ્રવેશ અટકાવવામાં આવ્‍યો છે. હવે એ જોવાનું રહ્યું કે, આ આંદોલનકારીઓ કેટલે અંશે સફળતા પ્રાપ્‍ત કરે છે.

 

(3:35 pm IST)