Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સરકારી હોસ્‍પિટલોમાં ઓપીડીના સમયમાં વધારો

ગરીબ દર્દીઓને થશે રાહત : ટુંક સમયમાં જાહેરાત : નવો સમય રહેશે સવારે ૯ થી ૧ અને બપોરે ૪ થી ૮: ૨ કલાકનો વધારો : ઓપીડી રવિવારે પણ બપોર સુધી ચાલુ રહેશે : ડોકટર એસોસીએશનનો વિરોધ

અમદાવાદ તા. ૧૫ : અતિશય તબીબી સંભાળ ખર્ચ ઘણીવાર મોટી સંખ્‍યામાં દર્દીઓને સરકારી હોસ્‍પિટલોમાં સારવાર લેવાની ફરજ પાડે છે, તેથી જ રાજયની તમામ સિવિલ હોસ્‍પિટલોમાં તથા ગુજરાત મેડિકલ એજયુકેશન એન્‍ડ રિસર્ચ સોસાયટી, હોસ્‍પિટલો, જિલ્લા અને રેફરલ હોસ્‍પિટલો, સમુદાય અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં આઉટ-પેશન્‍ટ વિભાગ (OPD)નો સમય લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

આરોગ્‍ય વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું કે રાજય સરકારે OPDનો સમય વધારવાનો નિર્ણય લીધો છે જેથી કરીને લોકોને રાહ જોયા વિના સરકારી હોસ્‍પિટલોમાં સારવાર મળી શકે. એક વરિષ્ઠ આરોગ્‍ય અધિકારીએ રાજયની તમામ સરકારી હોસ્‍પિટલો અને મેડિકલ કોલેજોના વડાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે વીડિયો કોન્‍ફરન્‍સ યોજી હતી.

રાજસ્‍થાન, મહારાષ્ટ્ર અને એમપી જેવા નજીકના રાજયોમાંથી પણ દર્દીઓ સારવાર માટે ગુજરાતમાં આવે છે. જો કે, મોટાભાગના લોકોએ સરકારી હોસ્‍પિટલોમાં ઝડપી આરોગ્‍ય સેવાના અભાવની ફરિયાદ કરી છે. ઘણીવાર દર્દીઓનો આખો દિવસ OPD સારવારમાં પસાર થઈ જાય છે, છતાં તમામ મેડિકલ રિપોર્ટ એક જ દિવસે થઈ શકતા નથી. લોકોને બીજા દિવસની રાહ જોવી પડે છે, શહેરમાં રોકાણ લંબાવીને વધુ ખર્ચ કરવો પડે છે.

આરોગ્‍ય વિભાગના અન્‍ય એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘સરકારે આરોગ્‍ય સેવાઓને ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ પગલા તરીકે, તમામ સિવિલ હોસ્‍પિટલો, GMERS, જિલ્લા હોસ્‍પિટલો, રેફરલ હોસ્‍પિટલો અને સામુદાયિક આરોગ્‍ય તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં OPD સેવાનો સમય વધારવામાં આવશે.

જો કે, તે સ્‍પષ્ટ નથી કે મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્‍પિટલોને સરકારી ઠરાવ (GR) માં સામેલ કરવામાં આવશે કે કેમ - તે આદેશ જાહેર થયા પછી જ ખબર પડશે.

‘હાલમાં, અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં OPDનો સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૫ નો છે. ટૂંક સમયમાં, સમયને સુધારીને સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૮ વાગ્‍યા સુધી કરવામાં આવશે,' ગાંધીનગર ડિરેક્‍ટોરેટ ઓફ મેડિકલ એજયુકેશન એન્‍ડ રિસર્ચ (DMER) ના એક અધિકારીએ જણાવ્‍યું હતું. ‘ઓપીડી રવિવારે પણ સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે. રાજયની અન્‍ય સરકારી હોસ્‍પિટલોમાં પણ ઓપીડીના કલાકો લંબાવવામાં આવશે,

ડીએમઇઆરના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, ‘નવા સમય ૧૭ સપ્‍ટેમ્‍બરથી લાગુ થવાની સંભાવના છે, જે પીએમ મોદીના જન્‍મદિવસે થાય છે.'

બીજે મેડિકલ કોલેજના પ્રોફેસરે જણાવ્‍યું હતું કે, ‘ઓપીડીનો સમય લંબાવવો એ આવકારદાયક નિર્ણય છે કારણ કે તેનાથી દર્દીઓને સીધો ફાયદો થશે કારણ કે તેઓને ઝડપી સેવા મળશે.'

સરકારી હોસ્‍પિટલોમાં ઓપીડીના સમયને સંભવિત લંબાવવાને લઈને ગુજરાત ગવર્નમેન્‍ટ ડોક્‍ટર્સ ફેડરેશન (GGDF) અને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન (GMTA)માં આંતરિક વિવાદ સર્જાયો છે.

GGDFના સભ્‍યએ જણાવ્‍યું હતું કે, ‘સરકારી તંત્રમાં લાયકાત ધરાવતા ડોકટરો ઓછા છે, અને મોટાભાગના સરકારી ડોકટરો વધુ પડતા કામ કરે છે. બીજું, ઓપીડીના વધારાના કલાકો દરમિયાન નર્સિંગ, પેરામેડિકલ અને સિક્‍યોરિટી સ્‍ટાફને રાખવા પડે છે. સરકારે વિસ્‍તરણને કારણે થનારા વધારાના નાણાકીય ખર્ચ માટે કોઈ જોગવાઈ કરી નથી જે  આનાથી દૈનિક સરકારી કામકાજ અને હોસ્‍પિટલોના વહીવટી માળખાને અસર થશે.'

(3:36 pm IST)