Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ૬૦૦થી વધુ મુરતિયાઓની દાવેદારી

હાલના ધારાસભ્‍યોની બેઠકમાંથી મર્યાદીત સંખ્‍યામાં બાયોડેટા મળ્‍યાઃ વરસાદના લીધે મુદતમાં વધારો : યુવાનો, મહિલાઓ અને સ્‍વચ્‍છ છબી ધરાવતા લોકોને જ ટિકિટ આપવામાં આવશેઃ જગદીશ ઠાકોર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. એવામાં કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ત્‍યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો છે. કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે અઢળક ઉમેદવારોના બાયોડેટા મળ્‍યા હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસમાં હવે ચૂંટણી લડવા માટેના મુરતિયાઓનું મંથન પણ શરુ થઇ ગયું છે. ૬૦૦થી વધુ મુરતિયાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. આ સાથે ચૂંટણી લડવા ઇચ્‍છુક માટે બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે. વરસાદના કારણે બાયોડેટા આપવાની મુદતમાં પણ વધારો કરાયો છે. હાલના ધારાસભ્‍યોની બેઠક પર મર્યાદિત બાયોડેટા મળ્‍યા છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને લઇ થોડાક દિવસો અગાઉ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્‍ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટેના માપદંડ સહિતના જુદા-જુદા સૂચનો માટે પ્રદેશ સ્‍ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્‍ક્રીનીંગ કમીટીના ૪૨ સભ્‍યોએ ઉમેદવાર પસંદગી માટેના ૧૩૦ જેટલા સકારાત્‍મક સૂચનો કર્યા હતા. જેમાં વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ ૧૨ સપ્‍ટેમ્‍બર સુધીમાં જીલ્લા કાર્યાલય ખાતે પોતાના બાયોડેટા મોકલી આપવાના તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ વરસાદના કારણે ચૂંટણી લડવા ઇચ્‍છુક લોકોના બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે.
અત્રે જણાવી દઇએ કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે જણાવ્‍યું હતું કે, ટિકિટ વિતરણમાં યુવાનો, મહિલાઓ તેમજ સ્‍વચ્‍છ છબી ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. ૧૭ની ચૂંટણીના જાણકાર લોકો અમને મળ્‍યા છે. યુવાન અને મહિલાઓ તેમજ વ્‍યક્‍તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે.
કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે. તેથી ૧૮૨ વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્‍છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્‍સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્‍ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે. હાલના ધારાસભ્‍યો છે, તેમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં. કારણ કે તેઓ ધારાસભ્‍યો છે એટલે ટિકિટની માંગણીમાં તેમનો સમાવેશ છે એ ગણતરી સાથે કામ ચાલશે. તદુપરાંત કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઇ મહત્‍વનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે તેવો નિર્ણય લીધો હતો.

 

(11:07 am IST)