Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

અમદાવાદમાં બાંધકામ સાઈટ પર દુર્ઘટના કેસમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી ; ત્રણ લોકો સામે ફરિયાદ

ગુજરાત યુનિવર્સીટી પાસેના વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના સાતમા માળેથી બાંધકામનો એક ભાગ તુટતા 7 મજૂરના મોત થયા હતા

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી પાસેના વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના સાતમા માળેથી બાંધકામનો એક ભાગ તુટતા 7 મજૂરના મોત થયા હતા. બિલ્ડીંગનું કન્ટ્રક્શન ચાલતુ હતુ, ત્યારે આ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા મજુરોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. જેના પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે 24 કલાકમાં જ મોટી કાર્યવાહી રહી છે. પોલીસે 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાઈટ કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, સબ કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને કિરીટ પટેલ સામે બાંધકામ સાઈટ ર્દુઘટના કેસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ત્રણેયની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ACP એલ.બી.ઝાલાએ તપાસની ખાતરી આપી છે અને કહ્યું કે આ ઘટનામાં બેદરકારી અંગે પોલીસ ગુનો દાખલ કરશે. FSLની ટીમ સાથે મળીને તપાસ ચાલી રહી છે. એડોર ગ્રુપ અને તેના સહયોગી સામે તપાસ ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટરને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ઘટના અંગે અમદાવાદના એલિબ્રિઝ વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહે જણાવ્યુ હતુ કે, આ ઘટના માટે જે પણ જવાબદાર હશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તંત્રને ચોક્કસ આદેશ આપીશુ. આ સાથે તેણે મૃતકોને સહાય મળી શકે તે માટે રજુઆત કરવા પણ જણાવ્યુ હતું.

(10:48 pm IST)