Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

નરોડા સામૂહિક આત્મહત્યા કેસ : નવી કડીઓ હાથ લાગી

છ લાખની લોન માંગતો ઓડિયો વાયરલ થયો : મેલીવિદ્યાના પ્રભાવ હેઠળ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન : કેસમાં ચકાસણી જારી

અમદાવાદ,તા.૧૫ : નરોડા સામુહિક આત્મહત્યા કેસ પાછળનું કારણ શોધવા માટે હાલ પોલીસ પાસે સુસાઇડ નોટ સિવાય ખાસ કંઈ નથી. જેમાં કથિત કાળી શક્તિએ તેમને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોવાનું મનાઇ રહ્યું છે. હાલ પોલીસે આર્થિક સ્થિતિને લઇ કૃણાલના બેંક ખાતાઓને તપાસ ઉપરાંત તેના બેંક સ્ટેટમેન્ટ્સ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બીજીબાજુ, પોતાની પિતરાઇ બહેન માટે રૂ. છ લાખની લોન માંગતો કૃણાલનો એક ઓડિયો સામે આવતાં તેને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. નરોડા સામૂહિક આત્મહત્યા કેસમાં આજે કૃણાલ ત્રિવેદીનો એક ઓડિયો સામે આવ્યો છે. જે પોલીસ તપાસમાં પણ મદદરૂપ થઈ શકે છે. આ ઓડિયોમાં કૃણાલે તા.૫ સપ્ટેમ્બરના રોજ કુશવાહ ફાઇનાન્સ મેનેજમેન્ટના માલિક તેમજ તેના પૂર્વ પડોશી અવધેશ કુશવાહને ફોન કર્યો હતો. જેમાં કૃણાલે તેમને જણાવ્યું હતું કે, પિતરાઇ બહેનને ૬ લાખની અનસિક્યોર્ડ લોન જોઇએ છે. કેમ કે પિતરાઇ બહેનને ૬ -૭ દિવસમાં એક કામ માટે રૂ.છ લાખના વ્હાઈટ મની તાત્કાલીક બતાવવાના હતા. આ ઓડિયો અવધેશે કુશવાહે જ પોલીસને સંભળાવ્યો હતો. પોલીસે આ ઓડિયોના આધારે તપાસનો દોર આગળ ચલાવ્યો હતો અને આ સામૂહિક આત્મહત્યા પ્રકરણમાં વધુ કોઇ કડી મળે તે દિશામાં તપાસ વેગવંતી બનાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે હાલ નિવેદન અને પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ રાખી તપાસ જારી રાખી છે. આ અગાઉ  મંગળવારની રાત્રે નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી, પત્ની કવિતા ત્રિવેદી અને તેમની ૧૬ વર્ષની પુત્રી શ્રીન તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા ૨૪ કલાકથી તેમના સંબંધીઓ સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઓને શંકા ગઇ હતી. ત્યાર બાદ સંબંધીઓ નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રૂમમાંથી કૃણાલના માતા જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે એક બેડરૂમમાં પત્ની અને દીકરીનો મૃતદેહ અને કૃણાલ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં પતિ-પત્ની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ થયું હતું કે, મેલીવિદ્યા અને કૃણાલની પૂર્વ પ્રેમિકાનો આત્મા હેરાન કરતી હોવાથી તેઓએ આ અંતિમ પગલું ભર્યું હતું.

 

(8:19 pm IST)