Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સુરત જળબંબોળ : ખાડીનું જળસ્તર વધ્યું : NDRFની ટીમ દ્વારા એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર :

ખાડીના પાણી સોસાયટીઓના અનેક ઘરો અને દુકાનોમાં ઘુટણસમાં પાણ : 20000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ

સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને લઈ લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘુટણ સમા પાણી ભરાઈ ગયા છે. NDRFની ટીમે દ્વારા 1016 લોકોનું સ્થળાંતરન કરવામાં આવ્યું છે.સુરતના મીઠીખાડી, સુગરાનગર, બેટીકોલોની, કમરૂનગર, સંજયનગર,આશાનગર, કુંભારીયાગામ, પરવતગામમાંથી સ્થળાંતન કરાયું છે

ઉપરવાસમાં સતત થઇ રહેલા વરસાદના કારણે આ તમામ પાણી ખાડીમાં આવે છે. જેના કારણે ખાડીનું જળસ્તર વધ્યું છે. ખાડીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી લિંબાયત વિસ્તારના લોકો પર મોટી આફત આવી પડી છે. મીઠી ખાડી અને કમરુનગર રોડ પર પાણી ફરી વળતા ન માત્ર રસ્તાઓ પણ લોકોનાં ઘરમાં પણ છાતી સમા પાણી ભરાયા છે. મીઠીનદીનું પાણી લિંબાયતના વિસ્તારોમાં ફરી વળતા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સમગ્ર વિસ્તાર એક પ્રકારે સંપર્ક વિહોણો બની ચુક્યો છે. બે બોટ દ્વારા રાહત અને બચાવકામગીરી કરવામાં આવી રહી છે.

સાંજે 6 વાગ્યે ઉકાઈની સપાટી 333.02 ફૂટ પર આવી પહોંચી છે. ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાલ ઉકાઈ ડેમમાં 55,914 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જો કે, ડેમમાં પાણીનો વર્તમાન સ્ટોરેજ 4737.75 એમસીએમ છે. આ સાથે સુરતમાં આવેલા કોઝવેની સપાટી 8.29 મીટર થઈ છે.

ભારે વરસાદને કારણે લોકોના ખાવા પીવાના ફાફા થઈ ગયા છે. જો કે, આ લોકોની સહાય માટે હાલ તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શનિવારે 100થી વધારે લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે. 300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને રાહત અને બચાવકામગીરી હજી પણ ચાલી જ રહી છે

(9:37 pm IST)