Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમદાવાદમાં કાર અકસ્માતમાં માલિકે અઢી લાખ માંગી આધેડનું અપહરણ કરી મારમારી લૂંટ લીધા

આધેડને હુકા ગામની સીમમાં આરોપીઓએ આધેડને મારમારી રૂ 5 હજારની લૂંટ ચલાવી

અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં સામાન્ય અકસ્માતના બનાવમાં કાર માલિકે નજીવા નુક્સાન પેટે આધેડ પાસે રૂપિયા અઢી લાખની માંગણી કરી હતી. પૈસા માટે આરોપીઓ અપહરણ કરી આધેડને હુકા ગામે લઈ ગયા હતા. ગામની સીમમાં આરોપીઓએ આધેડને મારમારી રૂ 5 હજારની લૂંટ ચલાવી હતી. જો કે સ્થાનિક લોકો દોડી આવતા આરોપીઓ સ્થળ પરથી નીકળી ગયા હતા. હાલ આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોમતીપુરના ગજાનંદનગરમાં રહેતાં રામમિલન ભીખાલાલ કેવટ લોડીંગ ટેમ્પો લઈ મજૂરો સાથે શુક્રવારે નીકળ્યા હતા. રિક્ષાનો ટર્ન લેતી વખતે વિજય પેટ્રોલ પંપ પાસે BRTS રૂટમાં આવતી કાર સાથે અકસ્માત થયો હતો.

કારના દરવાજે સામાન્ય ઘસરકો પડ્યો હોવા છતાં કાર માલિક અને તેની સાથેના શખ્સે રામમિલન પાસે અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.

બન્ને આરોપીએ લોડીંગ ટેમ્પાની ચાવી, રામમિલનનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈ લીધું હતું. રામમિલનને કારની પાછળની સીટમાં બેસાડી અપહરણ કરી આરોપીઓએ કાર કઠવાડા ત્યાંથી ઝાંક જીઆઈડીસી થઈને હુકા ગામે લીધી હતી. હુકા ગામની સીમમાં આરોપીઓએ રામમિલનને માર મારી રૂ.5 હજારની લૂંટ ચલાવી હતી. જો કે બૂમાબૂમ થતાં દોડી આવેલા સ્થાનિક લોકોએ રામમિલનને બચાવ્યા હતાં. બંને આરોપી કાર લઈ સ્થળ પરથી નીકળી ગયા હતા.

આ બનાવ અંગે રામમિલને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં GJ 1 RG 4888 કારના ચાલક અને તેની સાથેના શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(8:47 pm IST)