Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વડોદરામાં ધોધમાર વરસાદથી વિશ્વામિત્રી ભયજનક સપાટીએ : નીચાળવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર

સુભાષનગરમાં રેસ્ક્યુ કરીને 87 લોકો,કારેલીબાગના જલારામનગરના 20 અને ઉંડેરાના 22 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વડોદરા: વડોદરામાં ધોધમાર વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદીની જળસપાટી ભયજનક સ્તરેથી માત્ર 4 ફુટ દૂર છે.વડોદરાવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફુટ છે. જ્યારે હાલ નદીનું લેવલ 22 ફૂટે પહોંચી ગયું છે.

વડોદરામાં છેલ્લા ચાર દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થયો છે. વરસાદના કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં પાણીના ઘરોમાં પાણી ઘૂસી ગયો છે. વડોદરા પાણી-પાણી થઈ જતા તંત્ર પણ સાવચેત થઈ ગયુ છે અને મોટાપાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વમિત્ર નદીમાં પાણીની સપાટીમાં વધારો થતા વડોદરાવાસીઓ ઘરમાં પુરાઈ ગયા છે અને સૌથી વધુ ભય મગરનો પણ લાગી રહ્યો છે.

વિશ્વામિત્રી નદીની સપાટી વધતા સયાજીગંજના સુભાષનગરમાં રેસ્ક્યુ કાર્ય શરૂ કર્યુ છે. તંત્રએ ત્યાંથી 20 પરિવારના 87 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. જ્યારે કારેલીબાગના જલારામનગરમાંથી 8 પરિવારના 20 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઉંડેરાના 4 પરિવારના 22 લોકોને પણ ખસેડાયા છે. સયાજીગંજ સુભાષનગરના લોકોના ઘરોમાં પાણી ઘુસતા વિસ્તારના તમામ રહેવાસીને સરકારી સ્કૂલમાં આશ્રય આપવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં હળવાથી વધારે વરસાદ વરસતા લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘુટણ સમા પાણી ભરાઈ ગયા છે. આણંદના ગામડી ચાર રસ્તા, બેઠક મંદિર, આઝાદ મેદાન, નવા બસ સ્ટેશન, લક્ષ્મી સીનેમા ચાર રસ્તા, ઇસ્માઇલ નગર, ભાલેજ ઓવરબ્રિજ, ઝાયડસ હોસ્પિટલથી ગ્રીડ ચોકડી સુધીના સમગ્ર માર્ગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે.

(6:16 pm IST)