Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

આણંદ જિલ્લામાં સોજીત્રા તાલુકાના પરોલ ગામે વરસાદના કારણોસર પાણી ભરાઈ જતા રોજિંદા જનજીવન પર ભારે અસરો જોવા મળી

આણંદ:જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વધુ સમયથી સતત વરસી રહેલ વરસાદને પગલે અનેકો વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં રોજિંદા જનજીવન પર ભારે અસરો જોવા મળી રહી છે ત્યારે અતિરેક વરસી રહેલ વરસાદના કારણે તબાહી પણ સર્જાવા પામી છે. જો કે કુદરતના નિત્ય કર્મ સામે સરકારી ખાતાની ઘોર બેદરકારી પોલ ખોલતો કિસ્સો સોજીત્રા તાલુકામાં આવેલ પરોલ ગામમાં બનાવ બનવા પામ્યો છે. પરોલ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતા કાંસની પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત યોગ્ય સાફ-સફાઈ ન થતાં વરસાદી પાણી ઓવરફ્લો થઈનેે ખેતરોમાં ધૂસી જતા ૪૦૦ વીઘાથી વધુના ડાંગરના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સોજીત્રા તાલુકાના પરોલ ગામે ડુગા અને સિલકોઈ સીમ વિસ્તારમાંથી પસાર થતો કાંસમાં જંગલી વનસ્પતિ અને કુંભવેલ જેવા ઘાસની ભરમારના કારણે કાંસ છીંછરો અને અવરોધક બન્યો છે જેને સાફસફાઈની કામગીરી હાથ ધરવા માટે વર્ષોથી ગ્રામજનો અને સરપંચ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. દર વર્ષે સર્જાતી આ વિકટ સ્થિતિને લઈને ચાલુ વર્ષે પણ કાંસ વિભાગમાં આ કાંસની સાફ-સફાઈ માટે માંગ કરાઈ હતી તેમ છતાં કાંસ વિભાગ દ્વારા આંખ આડા કાન કરીને ખેડૂતોને કુદરતના હવાલે છોડી દેવાય છે ત્યારે હાલ ચોમાસાની શરૃઆતમાં ખેડૂતો દ્વારા મસમોટા ખર્ચા કરીને મહેનત કરી ડાંગરની રોપણી કરી હતી પરંતુ ચાલુ વર્ષે છેલ્લા ત્રણ દિવસથી અવિરત વર્ષી રહેલા વરસાદને કારણે આ કાંસમાં પાણીની આવક વધુ થતા પાણી કાંસમાંથી નીકળી ઓવરફ્લો થઈને ખેતરોમાં ફરી વળ્યા છે જેના પગલે ૪૦૦ વીઘા કરતાં પણ વધારે વિસ્તારમાં કાંસના પાણી ફરતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

(2:42 pm IST)