Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

સુપ્રીમકોર્ટે આસારામના જામીન ફગાવ્યા

સુરત રેપ કેસમાં કોર્ટનો ચુકાદોઃ હાઇકોર્ટની ટીપ્પણીથી પ્રભાવિત થયા વગર કેસનો નિકાલ કરો

નવી દિલ્હી, તા.૧પઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સુરત રેપ કેસમાં આસારામના જામીન ફગાવી દીધા છે. સાથે જ સુપ્રીમ કોર્ટે નિચલી કોર્ટન જલદી ટ્રાયલ પૂર્ણ કરવાનું પણ કહ્યું છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આસારામ સામે સુરતમાં ચાલી રહેલા રેપ કેસમાં હજુ ૧૦ સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે નિટલી કોર્ટને કહ્યું કે, હાઇકોર્ટની ટિપ્પણીથી પ્રભાવિત થયા વિના કેસનો નિકાલ કરો.

જણાવી દઇએ કે, આસારામ ચાર વર્ષથી વધારે સમયથી જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામને એક સગીર છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં દોષિત જાહેર કર્યો છે. ત્યારબાદ જોધપુરની એક કોર્ટે આસારામના આશ્રમમાં પાંચ વર્ષ પહેલા એક કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તેને ૨૫ એપ્રિલના રોજ આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

આસારામ પર ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીર પર બળાત્કાર ગુજારવાનો આરોપ હતો. જેમાં તે દોષિત જાહેર થયો હતો. આ સગીર મધ્ય પ્રદેશના છિંદવાડામાં આસારામના આશ્રમમાં અભ્યાસ કરી રહી હતી. પીડિતાનો આરોપ છે કે, આસારામે જોધપુર નજીક મુખ્ય આશ્રમમાં તેને બોલાવી હતી. જયાં ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આસારામે આ આરોપોનો ઇન્કાર કર્યો હતો.

આસારામને IPC કલમ ૩૭૬ અને યૌણ અપરાધ બાળ સંરક્ષણ કાયદો (પોસ્કો) અંતર્ગત દોષિત જાહેર કર્યો હતો. આ યૌન ઉત્પીડનના બે મામલા છે. જેમાં એક કેસ રાજસ્થાનમાં સાલી રહ્યો છે. જયારે બીજો કેસ ગુજરાતમાં ચાલી રહ્યો છે.

(3:49 pm IST)