Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં

ખોડલધામમાં પાટીદારોની બેઠક : કેજરીવાલની સક્રિયતા અને સરકાર તેમજ સંગઠનના તાલમેલનો મુદ્દો પણ ઉછળ્યો : ત્રણેક દિવસ પહેલાં કોર કમિટીની બેઠક બાદ સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન ટુ વન બેઠકનો દોર હાથ ધર્યો હતો

અમદાવાદ :આમ આદમી પાર્ટીના સુપ્રિમો તથા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ગુજરાતમાં સક્રિય થવાના પગલાંએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમાંય વળી આગામી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 ઉમેદવારો ચુંટણી લડશે તેવી આજે જાહેરાત કરી છે. બીજી તરફ પાટીદારોની ખોડલધામ ખાતેની બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉલ્લેખ માત્રથી રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે.

 આવા રાજકીય ગરમાહટ વચ્ચે આવતીકાલે ભાજપના 112 ધારાસભ્યોની મંગળવારે વિધાનસભા ભવનમાં આવેલા ઓડિટોરિયમમાં બેઠક મળશે. ત્યારે પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકના પગલે અનેક અટકળો પેદા થઇ છે. કેટલીક રાજકીય અફવાઓએ પણ આ બેઠકના પગલે જોર પકડ્યુ છે. જેના પગલે મંગળવારે મળનારી બેઠક પર સૌ કોઇ મીટ માંડીને બેઠાં છે.

ભાજપના 112 ધારાસભ્યોની વિધાનસભા ભવનમાં આવેલા ઓડિટોરિયમમાં મંગળવારે બેઠક મળશે, જેમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ભાગ લેશે. ભુપેન્દ્ર યાદવ સવારે 10-20 કલાકે અમદાવાદ એેરપોર્ટ આવી પહોંચશે. તેમની અધ્યક્ષતામાં સાંજે 4-30 કલાકે વિધાનસભા સંકુલ ખાતે મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ જોડાશે.

ભાજપના ધારાસભ્યોની આ બેઠકમાં આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી સંદર્ભે મનોમંથન કરાશે. આ ઉપરાંત વાવાઝોડા અને કોરોનાકાળમાં પક્ષના ધારાસભ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા પણ કરાશે. કેટલાક ધારાસભ્યો કોરોનાકાળમાં પ્રજાની વચ્ચે જવાને બદલે ઘરમાં ભરાઈ ગયા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. આવા ધારાસભ્યોને ફરીથી પ્રજા વચ્ચે જઈને કામગીરી કરવા પણ સૂચના અપાશે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને વધુને વધુ લોકો ભાજપ સાથે જોડાય તેવા પ્રયાસો કરવા પણ ધારાસભ્યોને માર્ગદર્શન અને સૂચના અપાશે.

છેલ્લાં કેટલાક દિવસોથી પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. હજુ ત્રણેક દિવસ પહેલાં જ કોર કમિટીની બેઠક બાદ ભાજપ સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન ટુ વન બેઠકનો દોર હાથ ધર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાથે વીડીઓ કોન્ફરન્સ કરીને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નહીં હોવાનો મુદ્દો ઉછળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમના આગમનથી અનેક અટકળો પેદા થઇ છે.

(12:35 am IST)