Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

અમદાવાદના નરોડામાં આવેલા કેપિટલ કોમ્પલેક્ષની બિલ્ડિંગમાં ભીષણ આગ

કોમ્પલેક્ષમાં વેદાંત કોવિડ હોસ્પિટલ આવેલી હોવાથી ડોક્ટરો તેમજ દર્દીઓના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન નજીક કેપિટલ કોમ્પલેક્ષની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નરોડામાં કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષ નામની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી. આ કોમ્પલેક્ષમાં વેદાંત કોવિડ હોસ્પિટલ આવેલી હોવાથી ડોક્ટરો તેમજ દર્દીઓના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વેદાંત કોવિડ હોસ્પિટલને ખાલી કરવામાં આવી હતી.  હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને એમ્બ્યુલન્સની મદદથી શહેરી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  જે બાદ આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હજુ સુધી આગામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી

(6:45 pm IST)