Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમદાવાદમાં પોલીસની માનવતાઃ સગર્ભા શ્રમજીવી મહિલાને હોસ્‍પિટલે પહોંચાડીને વતન પહોંચાડવાની પોલીસ જવાને જવાબદારી લીધી

અમદાવાદ: હાલમાં લોકડાઉનની સ્થિતીમાં પોલીસનાં અનેક સ્વરૂપ જોવા મળ્યાં. ક્યાંક પોલીસનો ક્રુર ચહેરો, ક્યાંક પોલીસનો માનવતાસભર ચહેરો તો ક્યાંય વિપરિત સ્થિતી અને પરિસ્થિતીમાં પણ સતત ફરજ નિષ્ઠાને વળગી રહેલો ચહેરો. હાલ કોરોનાની મહામારીનાં પગલે સમગ્ર ગુજરાતની પોલીસ કડક લોકડાઉનનું પાલન કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે બરવાળા-ઘંઘુકા હાઇવે પર એક મધ્યપ્રદેશનાં શ્રમજીવીઓને લઇ જઇ રહેલી બસ પસાર થઇ રહી હતી. જેનાં ચેકિંગ દરમિયાન પોલીસનાં ધ્યાને આવ્યું કે, એક શ્રમજીવી મહિલા ગર્ભવતી છે અને તેને લેબર પેઇન પણ ઉપડ્યું છે.

જો કે તે મહિલા નીચે ઉતરવાની ના માત્ર એટલા માટે પાડી રહી છે કે જો તે બસમાંથી ઉતરી જશે તો પોતાનાં વતન પરત નહી ફરી શકે. કારણ કે પરમીટ છે તે બસ તેને મુકીને ચાલી જશે. આ બાબત સ્થળ પર હાજર પોલીસનાં ધ્યાને આવતા તેણે તે મહિલાને બસમાંથી ઉતરી જઇને નજીકની RMS હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ જવાને બાંહેધરી પણ આપી હતી કે તે મહિલાની પ્રસુતી થયા બાદ તેના ગામ સુધી પહોંચાડવાની જવાબદારી તે પોતે સ્વિકારે છે.

જેથી મહિલાને વિશ્વાસ થતા જમનાબેન નાનકાભાઇ ધુંધારા નામની મહિલાએ હોસ્પિટલ ખાસે સારવાર લીધી હતી. જ્યાં આ મહિલાએ ગત રાત્રે 2 વાગ્યે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકી અને માતા બંન્ને સ્વસ્થ છે. આજે હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. જો કે પોલીસે પોતાનું વતન નિભાવતા ધંધુકા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પોલીસ અધિક્ષક આર.વી અસારીને સમગ્ર બાબતે ધ્યાન દોરી તેમને પરવાનગી મેળવી આપવા જણાવ્યું.

આ બાબત ધ્યાન આવતા એસપી દ્વારા તુરંત જ ન માત્ર તેની તમામ પરવાનગી માટેની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ મહિલાને પૌષ્ટીક ભોજન, સરકારી ખીલખીલાટ ગાડી, બાળકી માટે કપડા રમકડા અને દવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપી હતી. મહિલાએ તમામ પોલીસ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને મુકવા માટે જનાર ખીલખીલાટ ગાડીના ડ્રાઇવર સહિતના સ્ટાફનો ખુબ આભાર માન્યો હતો. પોલીસ માટે સામાન્ય શ્રમજીવી મહિલાનાં મગજમાં રહેલી છાપ ધોવાઇ ગઇ હતી. પોલીસ માટેનું માન ન માત્ર તે મહિલાને પણ લોકોનાં મનમાં પણ મુઠી ઉંચુ થઇ ગયું હતું.

(5:09 pm IST)