Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઉમરેઠમાં જવેલર્સના માલિકે 19.20 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

ઉમરેઠ:ખાતે આવેલી નારાયણ જ્વેલર્સના માલિકો દ્વારા પોતાની ક્ષોફની પેઢીમાં વાર્ષિક ૧૨ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને કુલ ૧૯.૨૦ લાખનુ ંરોકાણ કરાવીને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતાં આ અગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ નારાયણ જ્વેલર્સના માલિક અર્પિત દિપકકુમાર ગાભાવાળા, ગુંજનકુમાર દિપકકુમાર ગાભાવાળા તથા દિપકકુમાર ગોવિંદભાઈ ગાભાવાળાની શ્રોફની પેઢી ચોક્સી બજારમાં આવેલી છે જેમાં પૈસાની લેવડ-દેવડનો વેપાર કરવામાં આવે છે.

ઉમરેઠ ખાતે રહેતા પ્રકાશકુમાર ડાહ્યાભાઈ પટેલને વાર્ષિક ૧૨ ટકા વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતાં તેઓએ ભાઈ યોગેશકુમાર દ્વારા અમેરિકાથી જે પૈસા મોકલવામાં આવતા હતા તે પૈકી આ પેઢીમાં જુદી-જુદી તારીખોએ ચેકથી ૮,૮૩,૯૮૦ની રકમ રોકવામાં આવી હતી. પિતા ડાહ્યાભાઈના ખાતામાં ૬૪૯૫૦, દાદી અંબાબેન સોમાભાઈના ખાતામાં ૯૩૫૦ એમ મળીને કુલ ૯,૫૮,૨૮૦ રોક્યા હતા. આ ઉપરાંત પ્રકાશભાઈના ઓળખીતા લીલાબેન વનરાજસિંહ ઠાકોર તથા તેમની દિકરી અંજનાબેન શૈલેન્દ્રસિંહ ગોહેલનું પણ ખાતુ નારાયણ જ્વેલર્સમાં ચાલતુ હોય બન્નેના મળીને કુલ ૯,૬૨,૪૧૦ રૂપિયા પેઢીમાં મુક્યા હતા. દરમ્યાન ત્રણેય પિતા-પુત્રોએ પેઢી બંધ કરી દીધી હતી. જેથી પેઢીમાં નીકળતા પૈસા લેવા માટે જતાં હમણાં પૈસા આપી શકાશે નહીં તેમ જણાવીને ધમકીઓ આપી હતી. ત્યારબાદ વારેઘડીએ પૈસાની ઉઘરાણી કરવા છતાં પણ ખોટા વાયદા કરતા હતા અને કુલ ૧૯,૨૦,૬૯૦ રૂપિયાની પરત ચુકવણી ના કરતાં પ્રકાશભાઈએ ઉમરેઠ પોલીસ મથકે આવીને ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.

(4:36 pm IST)