Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સુરેન્દ્રનગરમાં પારો વધીને ૪૪ ડિગ્રી થયોઃ તીવ્ર ગરમી

અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૪૨.૯: સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં પણ લોકો ભારે પરેશાન દેખાયા : ૪૧થી ૪૩ની વચ્ચે તાપમાન રહી શકે

અમદાવાદ, તા. ૧૫, અમદાવાદ શહેરમાં આજે પારો ૪૨.૯ રહ્યો હતો. તીવ્ર ગરમીનો અનુભવ આજે પણ લોકોએ કર્યો હતો. દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલા અપરએર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આજે આ સ્થિતિ જોવા મળી હતી. આગામી બે દિવસ દરમિયાન ૪૧થી ૪૩ ડિગ્રી સુધી પારો રહી શકે છે. આજે સૌથી વધુ ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરમાં થયો હતો જ્યાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  તરફથી હિટવેવ એક્શન પ્લાનના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ અમદાવાદમાં અને સાથે સાથે રાજ્યના અન્ય ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન પારો ૪૧ થી ૪૩ વચ્ચે રહી શકે છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૨ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૮૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૨ જ દિવસમાં ૧૦૯ અને ટાઇફોઇડના ૧૨૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૨ દિવસના ગાળામાં ૧૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાતમાં કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાઓએ વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી અને ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આજે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો થયો હતો. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

(10:05 pm IST)