Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સુરતની શાળામાં શિક્ષકે કલાસરૂમમાં ઢોર માર મારતા વિદ્યાર્થી અર્ધબેભાન :સારવાર માટે આઈસીયુમાં દાખલ

ઉમેશ નામના શિક્ષકે ક્લાસરૂમમાં તમામ વિદ્યાર્થીઓની વચ્ચે બેરહેમીપૂર્વક માર માર્યો હતો

સુરતની એક શાળામાં શિક્ષકે કલાસરૂમમાં ઢોર માર મારતા વિદ્યાર્થી અર્ધબેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 113ના એક શિક્ષકે આઠમા ધોરણના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. ક્લાસરૂમમાં ઢોર માર મારતા વિદ્યાર્થી અર્ધબેભાન જેવો થઈ ગયો હતો. જેને બે વિદ્યાર્થીઓ ઘરે મૂકી આવ્યા હતા. જ્યાંથી 108 મારફતે તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં તે બેભાન હાલતમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે.

   અંગે ની વિગત મુજબ કતારગામમાં આવેલી ક્રાંતિવીર સરદારસિંહ રાણા પ્રાથમિક શાળામાં બનાવ બન્યો છે. જેમાં આઠમા ધોરણના વિદ્યાર્થી મયૂર રમેશભાઈ વાઘ (..13, રહેઃપ્રણામી નિવાસ, પ્રાણનાથ સોસાયટીની પાછળ, કતારગામ)ને કોઈ કારણોસર ઉમેશ નામના શિક્ષકે ક્લાસરૂમમાં તમામ વિદ્યાર્થીઓની વચ્ચે અત્યંત બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના કારણે તે અર્ધબેભાન જેવો થઈ ગયો હતો. સાથે ઉમેશે આઠમા ધોરણના બે વિદ્યાર્થીને કહ્યું મયૂરને ઘરે મૂકી આવો. જેવા બે વિદ્યાર્થી મયૂરને લઈ ઘરે પહોંચ્યા કે મયૂર માત્ર એટલું બોલી શક્યો કે ઉમેશ સરે માર માર્યો છે. પછી તે બેભાન થઈ ગયો હતો

   પોતાના પુત્રની હાલત જોઈ ગભરાઈ ગયેલી તેની માતાએ તાત્કાલિક અસરથી 108 બોલાવી મયૂરીને સારવાર માટે સ્મીમેર પહોંચાડ્યો હતો. જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં તેની સારવાર કર્યા બાદ આઈસીયુમાં ખસેડાયો હતો. હજુ તે બેભાન છે.

   બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલનું કહેવું છે કે શાસનાધિકારીએ તપાસનો આદેશ કર્યો છે. જો તપાસના અંતે શિક્ષક કસૂરવાર ઠરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. ઘટના બાદ હસમુખ પટેલ પણ સ્મીમેર હોસ્પિટલે દોડી ગયા હતા. ઉમેશ નામના શિક્ષકે મયૂરને શા માટે માર માર્યો તે જાણી શકાયું નથી. કારણ કે મયૂર હાલ બેભાન છે અને ઉમેશનો સંપર્ક થઈ શક્યો નથી.

(1:34 am IST)