Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અેકલા દક્ષિણ ગુજરાતમાં જ દેશની ૩પ ટકા જોખમકાર કંપનીઓ ગોલ્ડન કોરિડોરમાં કાર્યરતઃ ઔદ્યોગિક જોખમોને ઘટાડવા અને રક્ષણાત્મક પગલાઓ ભરવા જરૂરી

અમદાવાદઃ અેકલા દક્ષિણ ગુજરાતમાં જ દેશની ૩પ ટકા જોખમકારક કંપનીઓ ગોલ્‍ડન કોરિડોરમાં કાર્યરત છે.

રાજ્યના ચીફ સેક્રેટરી જે એન સિંહે રાજ્યમાં ઔદ્યોગિક જોખમોને ઘટાડવા અને તેની સામેના રક્ષણાત્મક પગલાં ભરવાની જરૂરિયાતો પર ભાર મૂકતા જણાવ્યું કે, દેશમાં જોખમકારક મનાતા યુનિટ્સમાંથી 35 ટકા યુનિટ્સ વાપી-હજીરા-અંકલેશ્વર-દહેજ બેલ્ટ કે જે ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાય છે, તેમાં કાર્યરત છે. અમદાવાદમાં 33મી કેમિકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે સિંહે આ મુજબ જણાવ્યું.

તેમણે કહ્યું કે, ‘ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે અને એ કારણે જ અહીં કેમિકલ અને ઈન્ડસ્ટ્રીયલ અકસ્માતોનું જોખમ રહે છે. લગભગ 35 ટકા અતિ જોખમકારક યુનિટ્સ વાપી-હજીરા-અંકલેશ્વર-દહેજ બેલ્ટમાં આવેલા છે. એટલે જ અમે એ બાબતે સજાગ છીએ કે આવો કોઈ અકસ્માત ન બને.

આ પ્રસંગે ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) વચ્ચે ઈન્ડસ્ટ્રિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેપેસિટી બિલ્ડિંગ અને ટ્રેનિંગ અંગેના એમઓયુ સાઈન કરાયા.

ચીફ સેક્રેટરીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં ફેક્ટરી એક્ટ અંગર્ગત 36,179 ફેક્ટરીઓ નોંધાયેલી છે. ગુજરાતમાં દહેજમાં કેમિકલ પોર્ટ છે. ઉપરાંત મુંદ્રા અને કંડલામાં પણ મોટા પ્રમાણમાં પેટ્રો કેમિકલ પ્રોડક્ટ્સનું કામકાજ થઈ રહ્યું છે. દહેજ અને પીપાવાવ પોર્ટસમાં પણ આવું જ કામ થઈ રહ્યું છે. જેના કારણે અહીં (રાજ્યમાં) પેટ્રો કેમિકલ પ્રોડક્સનો મોટો જથ્થો છે અને તેના કારણે જ સુરક્ષામાં ચૂક, ટેકનિકલ સમસ્યા અને માનવીય ભૂલ વગેરે કારણે કેમિકલ અકસ્માતો થાય છે.

તેમના જણાવ્યા મુજબ, કેમિકલ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ તાતી જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, ‘સરકાર હવેબચાવ, રાહત અને પુનર્વસનને બદલે અગમચેતી, ઘટાડવું અને સુસજ્જતાપર ફોકસ કરી રહી છે કે જેથી આવા બનાવો બનતા રોકી શકાય અને જો અકસ્માત થાય તો અસરકારક રીતે સ્થિતિ સંભાળી શકાય.

(8:34 pm IST)