Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સુરતમાં રૂ.૨૦ કરોડના હીરાની લૂંટ પ્રકરણમાં તપાસમાં એટીએસે ઝંપલાવ્યું

સુરતઃ કતારગામ વિસ્તારમાં થયેલી રૂ.૨૦ કરોડના હીરાની લૂંટમાં એટીએસ ટીમે ઝંપલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતના કતારગામ વિસ્તારમાં સનસનીખેજ થયેલી 20 કરોડના હીરાની લૂંટ મામલે સુરત ક્રાઈમબ્રાન્ચે ગ્લો સ્ટાર ડાયમંડના કંપનીના બંને કર્મચારી સહિત ડ્રાયવરની કોલ ડિટેલ્સની તપાસ હાથ ધરી છે. કર્મચારીઓ પર ઘટના દરમિયાન અને ઘટના પહેલા કઈ-કઈ વ્યક્તિઓનાં ફોન આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો સૂત્રોની માહિતી મુજબ હીરા સેફ ડિપોઝીટમાં મુકવામાં આવે છે તે કેટલા કર્મચારીઓને જાણ હતી તે અંગે પણ પોલીસ કર્મચારીઓની પુછપરછ કરી શકે છે. કરોડોના હીરા સેફ વોલ્ટમાં મુકવા જતા કોઈ સિક્યોરિટી અથવા ગનમેન પણ કર્મચારીઓ જોડે ન હતો. ત્યારે કંપનીની પણ બેદરકારી સામે આવી છે.

સમગ્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસમાં ગતિ આવી છે. એટીએસ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે. સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો. તેમણે કહ્યુ કે ટૂંક સમયમાં લૂંટનો ભેદ ઉકેલાશે. ભરચક વિસ્તાર ગણાતા કતારગામ માં સાંજના સમય દરમ્યાન કરોડોના હીરાની લૂંટની ઘટના બનતા પોલીસની પેટ્રોલિંગ પણ ફક્ત કાગળ પૂરતી જોવા મળી છે. સુરતના ઇતિહાસમાં હીરાની આ  સૌથી મોટી લૂંટ ગણવામાં આવી રહી છે ત્યારે લૂંટના ગુનાનો ભેદ ઉકેલવો સુરત પોલીસ માટે પણ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહી છે. હીરા લૂંટમાં ગુજરાત એટીએસ પણ તપાસમાં લાગી છેે. એટીએસ ની એક ટિમ સુરત રવાના થઈ છે. એક pi , 3 psi ની ટીમ સુરત તપાસ અર્થે રવાના થઈ.

(5:20 pm IST)