Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પરિવાર લગ્નપ્રસંગમાં જતાં ઘરમાંથી દાગીનાઓની ચોરી

પુત્રીના લગ્ન માટે મહેનતથી પરિવારે ભેગા કર્યા હતા : તસ્કરોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવી લીધો : ૧૫ કિલોના સોના-ચાંદીના દાગીના લઇ પલાયન : પોલીસની શોધખોળ

અમદાવાદ, તા.૧૫ : સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે વતન ગયો ત્યારે તસ્કરો તેમના ઘરને નિશાન બનાવી ૧૫ કિલોના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પિતાએ પુત્રીના લગ્ન માટે દહેજમાં આપવા માટે જે તિજોરીમાં ચાંદી મૂકી હતી, તે તિજોરી ગેસ કટર વડે કાપીને તસ્કરોએ ૧૫ કિલો ચાંદીની ચોરી કરી હતી. જો કે, ઘટનાની જણકારી મળતા વતનથી સુરત ખાતે દોડી આવેલા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચા ચાલી હતી. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન નજીકના સુંદર નગર ખાતે તસ્કરો ચોરી કર્યાની ઘટના સામે આવી હતી, જેમાં ભેસ્તાનના સુંદરનગરના ફ્લેટ નંબર -૧૦૫માં રહેતા પ્રમોદસીંગ રામઆજ્ઞાસીંગ રાજપૂત ઈન્સ્યોરન્સના કામ સાથે સંકળાયેલા છે.

         તેઓતા. ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે વતન ઈસરોલી, જિલ્લો દેવરીયા, ઉત્તરપ્રદેશ જવા નીકળ્યાં હતાં. વતનમાં ભત્રીજીના લગ્ન હતાં જેને લઇને પરિવાર સાથે તેઓ લગ્નપ્રસંગમાં ગયા હતા. બીજીબાજુ, બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ઘરમાંથી ૧૫ કિલો સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પ્રમોદસીંગને પોતાના મકાનમાં ચોરીના સમાચાર મળતા તે તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને ઘરે આવી તપાસ કરતા તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલને મારેલું તાળું તથા દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી મકાનના કબાટના દરવાજા તથા લોકર તોડી સોના ચાંદીના દાગીના તથા ચાંદીની અલગ અલગ લગડીઓ વજન આશરે ૧૩ કિલો અને બે કિલો ચાંદીના સિક્કાની ચોરી કરી હતી. તસ્કરોએ ગેસ કટરથી તિજોરી કાપી ચાંદીની ચોરી કરિયાણું સામે આવ્યુ હતું. તેમણે પોતાની દીકરીના લગ્નમાં દહેજ આપવા માટે ચાંદી એકઠી કરી હતી અને આવતાં વર્ષે દીકરીના લગ્ન નક્કી થયા હતા ત્યારે સમાજની પરંપરા પ્રમાણે દીકરીને દહેજ આપવા માટે ૧૩ કિલો ચાંદી દાગીના અને બે કિલોના ચાંદીના સિક્કા એકઠાં કર્યાં હતાં પરંતુ તેની ચોરી થઇ જતાં પરિવાર ભારે ચિંતામાં ગરકાવ બન્યો હતો. પોલીસે સમગ્ર બનાવને લઇ જરૂરી તપાસ હાથ ધરી છે.

(8:34 pm IST)